આ માનવતા છે... ભારતીય સેનાએ સિક્કીમમાં ૧૭,૫૦૦ ફૂટ ઊંચે રસ્તો ભટકેલા ૩ ચીની નાગરિકોને બચાવ્યા

Friday 11th September 2020 06:49 EDT
 
 

પઠારી (સિક્કીમ)ઃ ભારત અને ચીન વચ્ચે સરહદી ક્ષેત્રમાં ભલે ગમેતેવો તણાવ પ્રવર્તતો હોય, ભારતે અતિથિ દેવો ભવઃની પરંપરા જાળવી રાખી છે. ભારત મુલાકાતે આવેલા અને પ્રવાસ દરમિયાન ભટકી ગયેલા ત્રણ ચીની નાગરિકોને ભારતીય સેનાએ કપરી સ્થિતિમાં ઉગારીને જીવતદાન બક્ષ્યું છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી.
ઉત્તર સિક્કીમમાં ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈએ પઠારી વિસ્તારમાં શૂન્યથી નીચેના તાપમાનમાં ભટકી ગયેલા ત્રણ ચીનના નાગરિકો મદદની અપીલ કરી રહ્યા હતા. તેમાં બે પુરુષો તથા એક મહિલા હતી. તેમની મદદનો પોકાર સાંભળી ભારતીય સૈનિકો ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા.
ભારતીય સૈનિકોએ સૌથી પહેલાં તેમની સારવાર કરી. આ પછી તેમને ઓક્સિજન, પૌષ્ટિક ભોજન અને ગરમ કપડાં આપ્યાં હતાં. વાત જાણે એમ છે કે ઉત્તરી સિક્કીમમાં ત્રણ ચીની નાગરિક ફસાઈ ગયા હતા, જેમને બચાવવા માટે ભારતીય સેના મદદ માટે આગળ આવી હતી.
આ ઘટના ૩ સપ્ટેમ્બરના રોજની છે કે જ્યારે આશરે ૧૭,૫૦૦ ફૂટની ઉંચાઈ પર ઉત્તર સિક્કીમના પઠાર ક્ષેત્રમાં ચીનના ત્રણ નાગરિક માર્ગ ભૂલી ગયા હતા અને શૂન્યથી પણ નીચા તાપમાનમાં આ વિસ્તારમાં આવી ગયા હતા.
આ ત્રણ વ્યક્તિમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. તેમની પાસે ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. તેઓ ભીષણ ઠંડીની સ્થિતિમાં પહાડોમાં ભૂલા પડ્યા હતા. આ સંજોગોમાં ભારતીય સેનાની તેમના પર નજર ગઈ હતી.

આ અધમતા છે... ચીની સેના અરુણાચલના જંગલમાંથી પાંચ ભારતીયોને ઉઠાવી ગઇ

નાચો (અરુણાચલ પ્રદેશ)ઃ અરુણાચલ પ્રદેશમાં પાંચ ભારતીય નાગરિકોનું ચીનના આર્મી જવાનો દ્વારા અપહરણ કરવાની ઘટના બહાર આવી છે. અરુણાચલના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે આ દાવો કર્યો હતો. આ આક્ષેપ પછી અરુણાચલ પ્રદેશ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટના શુક્રવારે - ચોથી સપ્ટેમ્બરે બની હતી. ગુમ થયેલા કહેવાતા લોકોના પરિવારે કહ્યું કે વધુ બે લોકો તેમની સાથે હતા. તેઓ તક મળતાં ભાગી ગયા હતા. જે સમુદાયનું લોકોનું અપહરણ કરાયું હતું તેઓ ભારતીય આર્મી સાથે પોર્ટર તરીકે કામ કરતા હતા. સ્થાનિક પત્રકારના જણાવ્યા મુજબ ૩૬ લોકોની ટીમ જંગલમાં ગઇ હતી. તેમાંથી પાંચને પીએલએના જવાનો ભારતીય સરહદની અંદરથી ઉઠાવી ગયા હતા. પાંચ મહિના પહેલા પણ ચીની સેનાએ એક યુવાનનું અપહરણ કર્યું હતું. શનિવારે સવારે પીડિત લોકોના પરિવારને આર્મી તથા અન્ય અધિકારીઓની મુલાકાત કરી હતી.

પાંચ યુવક અમારી પાસેઃ ચીન

દરમિયાન, કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યું છે કે ચીનની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે કે અરુણાચલ પ્રદેશથી લાપતા પાંચ યુવક તેમની પાસે છે. કિરણ રિજિજૂએ મંગળવારે ટ્વિટ કરી આ બાબતની જાણકારી આપી હતી. તેમને કહ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ભારતીય સેનાએ તરફથી હોટલાઇન પર મેકલવામાં આવેલ સંદેશનો જવાબ આપ્યો છે. તેમને પુષ્ટિ કરી છે કે અરુણાચલ પ્રદેશથી લાપતા થયેલા પાંચ ભારતીય યુવક તેમની પાસે છે. ચીની સેનાએ મંગળવારે આ અંગે ભારત સરકારને જાણ કરી છે. આ પાંચેય યુવકોને ભારતને સોંપવા માટેની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter