આ લોકોને ધરતી નાની પડી કે શું?!

રશિયન ફિલ્મની ક્રૂ ટીમ શૂટિંગ માટે અંતરીક્ષમાં પહોંચી

Friday 15th October 2021 03:10 EDT
 
 

મોસ્કોઃ રશિયા સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો સૌપ્રથમ દેશ બનશે. રશિયન અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર સૌપ્રથમ સ્પેસ શૂટિંગ માટે અવકાશમાં પહોંચી ગયા છે. રશિયન અભિનેતા યુલિયા પેરેસ્લિડ અને ડિરેક્ટર ક્લિમ શિપેન્કો રશિયાના સોયુઝ સ્પેસક્રાફ્ટમાં સવાર થઇને ત્રણ સ્પેસ મિશનનો અનુભવ ધરાવતા અવકાશયાત્રી એન્ટોન શકાપ્લેરોવ સાથે અંતરીક્ષમાં ગયા છે.
સોયુઝ એમેસ-૧૯-એ કઝાખસ્તાનના બૈકોનુરથી ઉપડ્યું હતું અને સાડા ત્રણ કલાક પછી સ્પેસ સ્ટેશને પહોંચ્યુ હતું. શકાપ્લેરોવે મેન્યુઅલ કંટ્રોલ્સ દ્વારા સ્પેસ ક્રાફ્ટને સરળતાથી સ્પેસ આઉટપોસ્ટ સાથે જોડ્યું હતું. પેરેસ્લિડ અને ક્લિમેન્કોની નવી ફિલ્મનું ટાઇટલ ‘ચેલેન્જ’ છે. તેમાં પેરેસ્લિડ સર્જનની ભૂમિકામાં છે. દૃશ્ય એવું છે કે સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવતા એ તેને બચાવવા અંતરીક્ષમાં પહોંચે છે.
ક્રૂ મેમ્બર્સ ૧૨ દિવસ સ્પેસમાં વીતાવ્યા પછી બીજા રશિયન અવકાશયાત્રી સાથે પૃથ્વી પર પરત ફરવાના છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આ મિશનના લીધે રશિયાની અંતરીક્ષ ક્ષેત્રની મહારથ સમગ્ર વિશ્વને જોવા મળશે. અમે વિશ્વમાં સ્પેસ ક્ષેત્રે અગ્રણી છીએ અને અમને વિશ્વાસ છે કે અમે આ સ્થાન જાળવશું. વર્તમાન મિશન અમારી સિદ્ધિઓની જાહેરાતમાં મદદરૂપ બનશે અને અમારા દેશમાં પણ સ્પેસ એક્સપ્લોરેશનને વેગ મળશે.
ફ્લાઇટ પૂર્વેની પત્રકાર પરિષદમાં ૩૭ વર્ષીય અભિનેતા પેરેસ્લિડે જણાવ્યું હતું કે તેના માટે આટલું ચુસ્ત શિસ્તમાં રહેવું અને આટલી ઘનિષ્ઠ તાલીમ મેળવવી તે અત્યંત કપરો અનુભવ હતો. આ અનુભવ મનોવૈજ્ઞાનિક રીતે, શારીરિક રીતે એકદમ આકરો હતો. મારું માનવું છે કે એક વખત અમે અમારું ધ્યેય સિદ્ધ કરીશું તો પછી આ બાબત હાલમાં લાગે છે તેટલી મુશ્કેલ નહીં લાગે અને અમે તેને સ્મિત સાથે યાદ કરીશું.
૩૮ વર્ષીય દિગ્દર્શક શિપેન્કો કેટલીક કોમર્શિયલ સફળ ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેમણે પણ જણાવ્યું હતું કે આ પ્રકારની ફ્લાઇટ માટે ચાર મહિનાની તાલીમ અત્યંત આકરી હતી. રશિયાની સરકારી ટીવી ચેનલે પણ આ ફિલ્મના કલાકારો ફિલ્મ માટે સ્પેસમાં જવા કયા પ્રકારની તાલીમ લઈ રહ્યા છે તેનું પ્રસારણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter