ટોક્યોઃ આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે, થોડોક સમય પ્રભુભક્તિ કરે અને બાકી સમયમાં જિંદગીભરની દોડધામનો થાકોડો ઉતારે. પરંતુ ૮૪ વર્ષના જપાનીઝ દાદાજી તેત્સુયાની વાત અલગ છે. તેમનો અંદાજ નિરાળો છે. એક સમયે જૂની ઢબના કપડાં પહેરતાં આ દાદાજીને હવે લેટેસ્ટ ફેશનના વસ્ત્રોનો એવો તે ચસ્કો લાગ્યો છે કે આજે તેઓ ફેશન આઇકન બની ગયા છે.
વાત એમ છે કે જપાનના અકિતા પર્ફેક્ચરમાં રહેતા ૮૪ વર્ષના દાદા તેત્સુયાને ત્યાં થોડાક દિવસ માટે પૌત્ર નાઓયા કુડો રહેવા આવ્યો. ગ્રાન્ડ સનને દાદા સાથે બહુ ગમતું. જોકે તેણે વિચાર્યું કે દાદા બહુ જૂની સ્ટાઇલના કપડાં પહેરે છે એટલે ચાલો તેમને નવા કપડાં અપાવું અને તેમનો વોર્ડરોબ જ ચેન્જ કરી દઉં. જોકે આ માટે તેણે વિચાર્યું કે પહેલાં મારા કપડાં તેમને ટ્રાય કરાવું.
પૌત્રના કપડાં પહેરીને ખુશ ખુશ થઇ ગયેલા દાદાએ મસ્ત મજાનું ફોટોશૂટ કરાવ્યું. પોતાનું બદલાયેલું સ્વરૂપ નિહાળીને દાદાજી ખુશ ખુશ થઇ ગયા. ગ્રાન્ડપાને જાત જાતનાં કોસ્ચ્યુમ્સ ટ્રાય કરવાનો ચસકો લાગ્યો. તેમણે તો પોતાની જાતે અવનવા કપડાંની પસંદગી કરીને પહેરવાનું શરૂ કર્યું. લોકોને તેમની સ્ટાઇલ ગમી, તેમની પાસે ફેશન સ્ટાઇલ સંદર્ભે સલાહ માગવા લાગ્યા. અને તેત્સુયાએ પણ કેવા વસ્ત્રો પહેરવા જોઇએ, અમુક પ્રકારનાં કપડાં પહેરીને ક્યાં ફોટોશૂટ કરવું જોઇએ વગેરે અંગે સજેશન આપવા લાગ્યા.
નવાઈની વાત એ છે કે વરણાગી વસ્ત્રોમાં તૈયાર થઈને પડાવેલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જબરી હિટ થઈ ગઈ છે. ગ્રાન્ડ સન નાઓયા કહે છે કે મને લાગે છે કે મારા કરતાં પણ વધુ સારી ફેશન-સેન્સ દાદાની છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાખથી વધુ ફોલોઅર્સ બની ચૂક્યા છે, જેઓ સતત તેમને ફોલો કરે છે.