ઓટ્ટાવાઃ કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા ડિપ્લોમેટિક વિવાદ વચ્ચે કેનેડાના ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ આરોપ લગાવ્યો છે કે કટ્ટરવાદી તત્ત્વો કેનેડાના હિન્દુ સમુદાય પર હુમલા કરે છે અને તેમને ભારત જતા રહેવાની ધમકી આપી રહ્યા છે. આર્યાએ હાલના વિવાદને હિન્દુઓ અને શીખોને બે ભાગમાં વહેંચી દેવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે હિન્દુ-કેનેડિયન સમુદાયને અપીલ કરી હતી કે તે શાંત પરંતુ સતર્ક રહે અને કોઇ પણ અપ્રિય ઘટનાની જાણકારી તરત જ કાનૂની એજન્સીઓને આપે. ચંદ્રા કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના સાંસદ છે. ચંદ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી જેમાં તેમણે લખ્યું હતું કે થોડા દિવસ અગાઉ જ કેનેડામાં ખાલિસ્તાની આંદોલનના નેતા અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરુપતવંતસિંઘ પન્નૂએ કેનેડિયન હિન્દુ સમુદાય પર શાબ્દિક હુમલો કરતા તેમને દેશ છોડીને જતા રહેવાની ધમકી આપી હતી. તેના કારણે હિન્દુ સમુદાયમાં ભયનું વાતાવરણ છે.