કાઠમંડુઃ નેપાળમાં સંસદ ભંગ પછી રાજકીય કટોકટીના સંદર્ભે ચીની દખલગીરી સામે લાલ આંખ કરતાં નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર જ્ઞવલીએ એક નિવેદનમાં જણાવ્યું કે, નેપાળ પોતાની આંતરિક સમસ્યાઓ ઉકેલવા સક્ષમ છે અને પોતાના ઘરેલુ રાજકારણમાં કોઈની પણ દખલગીરી ચલાવી લેશે નહીં. પ્રદીપકુમાર જ્ઞવલીએ કહ્યું કે, નજીકના પાડોશીઓને અમારી ચિંતા હોઈ શકે, પણ અમે ક્યારેક દખલગીરી સ્વીકારીશું નહીં. શાસક પક્ષ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)માં આંતરિક કલહ સર્જાતાં વડા પ્રધાન ઓમપ્રકાશ શર્મા ઓલીએ અચાનક સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નવેસરથી ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
નેપાળનું રાજકીય સંકટ ઘેરું બનતા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)ના ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ વાઈસ મિનિસ્ટર ગુઓ યેઝહોઉના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ કાઠમંડુ મોકલાઈ હતી. આ સમિતિ એનસીપીના હરીફ પક્ષો સાથે ચર્ચા કરવા મોકલવામાં આવી હતી. આ અગાઉ નેપાળ સ્થિત ચીનના રાજદૂત આ વિવાદને ઉકેલવા નિષ્ફળ ગયા હતા.
ચીનની આ ઉચ્ચ સ્તરીય સમિતિએ નેપાળના તમામ નેતાઓ સાથે મંત્રણા કરી હતી, પણ તેઓ મતભેદો દૂર કરવા નિષ્ફળ નિવડ્યા હતા. જો કે તેમને ખાલી હાથે પાછા આવવું પડ્યું હતું. જો કે ચીનના આ પ્રયાસોનો નેપાળમાં ભારે વિરોધ થયો હતો.