નવી દિલ્હી/ન્યૂ યોર્કઃ મેક્સિકન મૂળની અમેરિકન અભિનેત્રી સલમા હાયેક આજકાલ ભારતીય અખબારોમાં છવાઇ છે. યુવા હૃદયની ધડકન એવી સલમાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં લક્ષ્મીજીની એક તસવીર શેર કરી લક્ષ્મીજીને શાંતિનું પ્રતીક ગણાવ્યાં છે. એ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ છે. સલમાએ લક્ષ્મીજીનો ફોટો મૂકીને સાથે લખ્યું હતું: જ્યારે મારે માનસિક અને આંતરિક શાંતિનો અનુભવ કરવો હોય છે ત્યારે હું માતા લક્ષ્મીજીનું ધ્યાન ધરું છું.’ વાત અહીં પૂરી નથી થતી. તેણે લક્ષ્મીજી વિશે વધારે જાણકારી આપતા ઉમેર્યું હતુંઃ હિન્દુ ધર્મ અનુસાર લક્ષ્મીજી ભાગ્ય, સમુદ્ધિ, પ્રેમ અને સૌંદર્યનાં દેવી છે. તેમની તસવીર જોઉ છું તો મને ખૂબ જ શાંતિ મળે છે, ખૂબ સંતુલન અનુભવું છું. માતા લક્ષ્મીનું દર્શન આનંદદાયક છે.’
આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી, ખાસ તો ભારતમાં અન્ય સેલિબ્રિટીએ એમાં કમેન્ટ્સ કરી હતી. ભારતીય અભિનેત્રી બિપાશા બાસુએ સલમાની આ પોસ્ટમાં કમેન્ટ આપતા લખ્યું હતું: ‘અદ્ભૂત.’ એ સિવાય પણ ભારતના યુઝર્સે પોસ્ટમાં પ્રતિક્રિયા આપી હતી. પોસ્ટને કલાકોમાં જ હજારોની સંખ્યામાં લાઈક્સ અને શેર મળ્યા હતા.
અમેરિકન અભિનેત્રી હિન્દુ ધર્મ પ્રત્યે આટલી આસ્થા ધરાવે છે તે બાબતે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી હતી. સલમા મેક્સિકન મૂળની અમેરિકન અભિનેત્રી છે. ૫૪ વર્ષની આ અભિનેત્રી છેલ્લાં ૩૦ વર્ષથી હોલિવૂડમાં સક્રિય છે.