આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વિશ્વ બેન્કના વડા પદે

Wednesday 01st March 2023 04:58 EST
 
 

નવી દિલ્હીઃ આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી ભારતવંશી અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્ત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. બાંગાને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
વ્હાઇટ હાઉસે પદ્મ વિજેતા બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાંગાનો જન્મ પૂણેમાં થયો હતો. તેમના પિતા હરભજન સિંઘ ભારતીય સેનામાં લેફ્ટેન્ટ-જનરલના હોદા પરથી નિવૃત્ત થયા છે. અજય બાંગા આ મહિને નિવૃત્ત થનાર ડેવિડ મેલપાસના અનુગામી બનશે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેલપાસને નોમિનેટ કર્યા હતા. તેમણે પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના એક વર્ષ અગાઉ જ હોદો છોડવાની જાહેરાત કરી છે.
એક પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે. બાઇડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઇતિહાસની આ મહત્વની ક્ષણે વર્લ્ડ બેન્કને લીડ કરવા માટે અજય બાંગા એકદમ સજ્જ છે. તેઓ વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણ લાવવા અને રોજગારી ઊભી કરતી સફળ વૈશ્વિક કંપનીઓને ઊભી કરવા અને સંચાલન કરવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ સમયાંતરે મૂળભૂત સુધારા થકી સંસ્થાઓને માર્ગદર્શન આપવામાં મહારત ધરાવે છે. તેઓ લોકો અને સિસ્ટમ્સને મેનેજ કરવાનો તેમજ વિશ્વભરના નેતાઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જેના પરિણામો પણ મળ્યા છે.’
63 વર્ષીય બાંગાએ હૈદરાબાદમાં સ્કૂલનું શિક્ષણ લીધું છે અને દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આઇઆઇએમ-અમદાવાદમાંથી મેનેજમેન્ટ ડિગ્રી મેળવનાર બાંગાએ નેસ્લેથી પ્રોફેશનલ કેરીયરની શરૂઆત કરી હતી. પેપ્સિકો અને સિટી ગ્રૂપમાં પણ તેમણે મહત્વની જવાબદારી સ્વીકારી હતી. માસ્ટરકાર્ડના સીઇઓ પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter