આઈન્સ્ટાઈનના ‘E = mc²’ ફોર્મ્યુલા સાથેના દુર્લભ પત્રની હરાજી

Wednesday 19th May 2021 08:11 EDT
 
 

લંડનઃ પોતાની થીઅરી ઓફ રિલેટિવિટી (સાપેક્ષતા સિદ્ધાંત)થી વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો તેમની પ્રસિદ્ધ ‘E = mc²’ ફોર્મ્યુલા સાથેનો અતિ દુર્લભ પત્ર યુએસના RR Auction દ્વારા બોસ્ટનમાં હરાજી માટે મૂકાયો છે જેની કિંમત ૨૮૨,૦૦૦ પાઉન્ડ (આશરે ૪ લાખ ડોલર અથવા રૂ. ૨.૯૨ કરોડ રૂપિયા) ઉપજવાની આશા છે અને તેના માટેની બોલી ૨૦ મેના રોજ બંધ થવાની છે.
જર્મનીમાં જન્મેલા આઈન્સ્ટાઈને આ પત્ર તેમના સાથી પોલીશ-અમેરિકન ફીઝિસિસ્ટ સંશોધક લુડવિક સિલ્બરસ્ટેઈનને ઓક્ટોબર ૧૯૪૬માં લખ્યો હતો. આ પત્ર દુર્લભ એટલા માટે ગણાય છે કે આઈન્સ્ટાઈને પોતાના હાથથી આ સ્પેશિયલ રિલેટિવિટી મુદ્દે ફોર્મ્યુલા લખી હોય તેવા માત્ર ચાર પત્રોમાં તે એક છે. ડો. સિલ્બરસ્ટેઈનના પ્રપૌત્રો દ્વારા આ પત્ર હરાજીમાં મૂકાયો છે.
E = mc² ફોર્મ્યુલા જથ્થો અને ઊર્જાનો સંબંધ દર્શાવે છે. જથ્થાનું અતિશય અલ્પ પ્રમાણ કેવી રીતે વ્યાપકપણે ઊર્જામાં ફેરવાય છે તે સમજાવે છે. E = mc² ફોર્મ્યુલામાં E (એનર્જી)ને માસ-જથ્થા (m) તેમજ પ્રકાશની ગતિ (c)ના વર્ગના ગુણાકારના પરિણામ તરીકે જોવામાં આવે છે.
મશહૂર વિજ્ઞાનીએ લુડવિકને પત્રમાં જણાવ્યું હતું કે તેમના પ્રશ્નનો ઉત્તર E = mc² ફોર્મ્યુલાથી મળી શકશે. એ જગજાહેર છે કે લુડવિકે અગાઉ ૧૯૩૫-૩૬માં આઈન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટી થીઅરીના એક હિસ્સા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે, પાછળથી તેમણે આ થીઅરી સ્વીકારી હતી. પ્રિન્સટોન યુનિવર્સિટીના લેટરહેડ પર લખાયેલા એક પાનાના પત્રમાં આઈન્સ્ટાઈને ‘'A. Einstein’ તરીકે હસ્તાક્ષર પણ કરેલા છે.
આઈન્સ્ટાઈને ૧૯૦૫માં તેમની આ ચમત્કારી માસ-એનર્જી સમાનતાનું દર્શન કરાવવા ઉપરાંત, સ્પેશિયલ રિલેટિવિટી થીઅરીના પેપર્સ પણ જાહેર કર્યા હતા. સ્પેશિયલ રિલેટિવિટી થીઅરીમાં સ્થળ - સ્પેસ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવાયો હતો. જેનાથી પ્રતિપાદિત કરાયું હતું કે તમામ અચલ નીરિક્ષકો માટે ભૌતિકશાસ્ત્રના નિયમો એકસમાન જ હોય છે અને શૂન્યાવકાશમાં નીરિક્ષક અથવા ગતિના સ્રોતને ધ્યાનમાં લીધા વિના જ પ્રકાશની ગતિ સ્થિર રહે છે.
ઉલ્લેખનીય છે કે આઈન્સ્ટાઈને ૧૯૧૫માં થીઅરી ઓફ જનરલ રિલેટિવિટી પ્રસિદ્ધ કરી હતી, જેમાં સમજાવાયું હતું કે જથ્થા - દળ સાથેના પદાર્થોથી સ્થળ - અવકાશ અને સમયના પોતને વિકૃત કરે છે -બદલી નાખે છે જેને આપણે ગુરુત્વાકર્ષણ તરીકે અનુભવીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter