ન્યૂ યોર્કઃ એપલના ફોન મોંઘા હોવાનું એક કારણ તેની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. એપલનો દાવો છે કે ફોનના માલિકની ઈચ્છા વગર કોઈ ફોન અનલોક કરી શકતું નથી, પરંતુ હેકર્સે એ દાવો ખોટો પાડયો છે. ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારના ભાઈ રોબર્ટો એસ્કોબારનો આઈફોન હેક થયો હતો. આ માટે રોબર્ટોએ સુરક્ષાના નામે ધુપ્પલ ચલાવવા બદલ એપલ સામે ૨.૬ બિલિયન ડોલર (૧૯૬ બિલિયન રૂપિયા)નો દાવો કર્યો છે.
રોબર્ટોના કહેવા પ્રમાણે કોઈએ ફેસટાઈમ નામની એપલની વીડિયો ફોનની એપ દ્વારા કોઈએ તેનો ફોન હેક કરી લીધો હતો. એ પછી હેક કરનારે રોબર્ટોનું સરનામું પણ જાણી લીધું હતું અને તેને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો.
રોબર્ટોનું કહેવું છે કે ફોન ખરીદતી વખતે એપલે ખાતરી આપી હતી કે અમારો ફોન આખી દુનિયામાં સૌથી સુરક્ષિત છે. જો સુરક્ષિત હોય તો પછી હેક થવો ન જોઈએ, પણ થયો. મતલબ કે તે સુરક્ષિત નથી. રોબર્ટોએ આ ગરબડ પછી પોતાની સલામતી માટે રહેણાંક પણ ફેરવવું પડયું હતું એવુ તેનું કહેવું છે.
રોબર્ટોએ કહ્યું હતું કે આજે ફોન હેક થયો છે, તેના કારણે તેમાં રહેલી અનેક ખાનગી વિગતો લિક થવાનો મને ભય છે. એપલનો દાવો ખોટો પડયો છે અને મને માનસિક ત્રાસ પણ મળ્યો છે. આથી તેણે એપલ પાસેથી તેના વળતરરૂપે ૨.૬ બિલિયન ડોલરની ડિમાન્ડ કરી છે.
ઉલ્લેખનીય છે કે પાબ્લો એસ્કોબાર કોલંબિયન ડ્રગ માફિયા હતો અને ૧૯૯૩માં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસ્કોબાર અને તેની ટીમ અમેરિકામાં જંગી પાયા પર ડ્રગ સપ્લાય કરતા હતા. આ કામગીરી માટે રોબર્ટોને પણ ૧૨ વર્ષની જેલ થઈ ચૂકી છે.