કોલંબોઃ સતત બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદી પોતાની પહેલી વિદેશ યાત્રાના બીજા તબક્કામાં રવિવારે શ્રીલંકા પહોંચ્યા હતા. કોલંબોના ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીંથી વડા પ્રધાન મોદી કોલંબોના સેંટ એન્ટની ચર્ચ પહોંચ્યા હતા.
ઈસ્ટર વિસ્ફોટના મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આતંકવાદ શ્રીલંકાની ભાવના કદી પણ પરાસ્ત નહીં કરી શકે. મને ખાતરી છે કે શ્રીલંકા ફરી વાર ઊભું થશે.
મોદી કોલંબોના સેંટ એન્ટની ચર્ચમાં ગયા હતા અને ગયા એપ્રિલમાં થયેલા આત્મઘાતી સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈસ્ટર વિસ્ફોટ બાદ શ્રીલંકા પહોંચનાર વડા પ્રધાન મોદી પહેલા વિદેશી નેતા છે. મોદીએ શ્રદ્ધાંજલિ તસવીર ટ્વિટ કરીને લખ્યું કે મને વિશ્વાસ છે કે શ્રીલંકા ફરી એક વાર ખડું થશે.
ભારતમાં લોકશાહી લોકોના સંસ્કારોમાં
વડા પ્રધાન મોદીએ રવિવારે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં કહ્યું હતું કે હવે ભારતને જોવાનો - મૂલવવાનો દુનિયાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. વિદેશવાસી ભારતીયોએ દુનિયામાં ભારતનું ગૌરવ અને સંસ્કૃતિ વધારવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ભારતીય વ્યક્તિ જે દેશમાં રહે છે ત્યાં વડા પ્રધાન જેવું વિચારે છે. આજે વિશ્વમાં ભારતનું સ્થાન ઘણું મજબૂત છે. ભારતમાં લોકશાહી લોકોના સંસ્કારોમાં છે. આ જ આપણી સૌથી મોટી તાકાત છે.
આઝાદી બાદ સૌથી વધારે મતદાન આ ચૂંટણીમાં થયું હતું. જો ચીનને બાદ કરવામાં આવે તો દુનિયાના કોઈ પણ દેશની જનસંખ્યા કરતા વધારે લોકોએ મતદાન કર્યું હતું.
ટોચના શ્રીલંકન નેતાઓ સાથે મુલાકાત
પોતાના એક દિવસીય પ્રવાસમાં વડા પ્રધાન મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિનેસાએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં અશોકનું વૃક્ષ પણ વાવ્યું હતું. શ્રીલંકાન રાષ્ટ્રપતિ - વડા પ્રધાન સાથે મંત્રણા બાદ મોદી વિપક્ષી નેતા મહિંદા રાજપક્ષને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાની મુખ્ય તમિલ પાર્ટી નેશનલ એલાયન્સનું એક પ્રતિનિધિ મંડળ પણ મોદીને મળ્યું હતું.