નવી દિલ્હીઃ યુરોપ-અમેરિકા માટે નવા વર્ષની ઊજવણી મુખ્ય આકર્ષણ હોય છે. ઠેર-ઠેર ઉત્સાહ-ઉમંગ વચ્ચે ઊજવાયેલા તહેવારમાં સતત આતંકી ઓથાર મંડરાયો હતો. આઈએસઆઈએસની ધમકીના પગલે હાઈએલર્ટ પર મૂકાયેલા યુરોપ-અમેરિકાના મહાનગરોમાં કેટલાય મોટા કાર્યક્રમો રદ કરીને શક્ય એટલી સરળ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સિડની વિશ્વનું પહેલું એવું શહેર છે જ્યાં નવા વર્ષની ઉજવણી સમગ્ર વિશ્વની તુલનાએ વહેલી થાય છે. સિડનીના વિખ્યાત બ્રિજ પર ઓછી ભીડ એકઠી થાય એની તકેદારી રાખવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ જણાતા થોડા લોકોની આકરી પૂછતાછ પણ કરી હતી.
ન્યૂ યોર્કના ભવ્ય મેદાનોમાં પણ ભીડ ઉપર સુરક્ષાતંત્રએ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગયા મહિને આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પેરિસમાં વધુ સુરક્ષા સઘન બનાવાઈ હતી. સિડનીની જેમ કેટલાય પારંપરિક કાર્યક્રમો વહેલા આટોપી લેવાયા હતા અથવા તો કેન્સલ કરાયા હતા. જોકે, સઘન સુરક્ષા વચ્ચે પણ લોકોએ નવા વર્ષની ઉજવણીમાં લોકોએ સ્વયંભૂ રસ દાખવ્યો હતો અને આતંકવાદના ભયને ફગાવીને ઉજવણી માટે લોકો બહાર નીકળ્યા હતા. પેરિસના મેયરે આ બાબતને આવકારતા કહ્યું હતું કે લોકોએ આતંકવાદના ભયના ફગાવી દીધો છે એ ખૂબ સારી નિશાની છે અને તેને આવકારવી જોઈએ.
યુરોપ-અમેરિકાની તુલનાએ એશિયન મહાનગરો-હોંગકોંગ, સિંગાપોર, બીજિંગ, ટોકિયો અને દિલ્હી સહિતના શહેરોમાં લોકોએ મોડે સુધી નવા વર્ષની પાર્ટી સંગીત-નૃત્યના તાલે મનભરીને માણી હતી.