વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પડોશી દેશો પર ત્રાસવાદી હુમલા કરતાં આતંકી સંગઠનો સામે પાકિસ્તાનની સરકાર આકરાં પગલાં લે. જે આતંકી સંગઠનોને પાકિસ્તાન ખતરનાક ગણે છે તેવાં સંગઠનો સહિત તેના દેશમાં સક્રિય તમામ આતંકી સંગઠનો કે જે પડોશી દેશો પર હુમલા કરે છે તેની સામે પાકિસ્તાનની સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાર્ક દેશોની બેઠકમાં ભારતનાં વલણને અમેરિકાએ ટેકો આપ્યો હતો.
પાક. ત્રાસવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે
યુએસના વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા માર્ક ટોનરે ચોથી ઓગસ્ટે કહ્યું હતું કે, પાકિસ્તાનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અમે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પડોશી દેશો પર હુમલા કરતાં ત્રાસવાદી સંગઠનો સહિત તમામ આતંકી સંગઠનો સામે તેણે કડક કાર્યવાહી કરવી પડશે, પાકિસ્તાને ત્રાસવાદીઓને આશ્રય આપવાનું બંધ કરવું પડશે. આતંકી સંગઠનો સામે પગલાં લેવામાં પાકિસ્તાને પ્રગતિ કરી છે, પણ તે ફક્ત કેટલાક નક્કી કરેલાં આતંકી સંગઠનો સામે જ પગલાં લઈ રહ્યો છે.