નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ની કાઉન્ટર ટેરરિઝમ કમિટીની ખાસ બેઠકને સંબોધતા વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે આતંકીઓએ આધુનિક ટેકનોલોજી અપનાવીને હવે ડ્રોન તેમજ ઇન્ટરનેટને હથિયાર બનાવ્યા છે. મુંબઈ પછી દિલ્હી ખાતેની બેઠકમાં તેમણે દાવો કર્યો હતો કે આખા વિશ્વ પર હવે ડ્રોન દ્વારા આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આતંકીઓને આવા હથિયાોર અને ટેકનોલોજી હવે સસ્તામાં મળી રહી છે. જેનો ઉપયોગ હુમલા કરવા અને લોકોમાં ખોટો તેમજ ભ્રામક પ્રચાર કરવા માટે કરાઈ રહ્યો છે. તેમણે જે દેશો આતંક ફેલાવતા હોય તેની સામે પગલાં લેવા તેમજ સાથે મળીને આતંકવાદ સામે લડવા વિશ્વના દેશોને અપીલ કરી હતી. યુએનએસસીની કાઉન્ટર ટેરરિઝમ સમિતિની પહેલી બેઠક જ્યાં મુંબઈ ખાતે 26/11 આતંકી હુમલો થયો હતો તે મુંબઈમાં જ યોજાઈ હતી.
સમાજમાં અસ્થિરતા અને કટ્ટરતા ફેલાવાઈ રહી છે
આતંકી ગ્રૂપો ઇન્ટરનેટનો ઉપયોગ ખોટો પ્રચાર કરવા થાય છે. સમાજને અસ્થિર બનાવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કટ્ટરવાદ તેમજ ષડયંત્ર ફેલાવવાનું ટ્ડકિટ બની ગયા છે. આતંકીઓ હવે ગમે ત્યારે ગમે ત્યાં આસાનીથી હુમલા કરી શકે છે.
એશિયા-આફ્રિકામાં આતંકી હુમલાનો સૌથી વધુ ખતરો
જયશંકરે કહ્યું કે એશિયા અને આફ્રિકામાં આતંકી હુમલાનો સૌથી વધુ ખતરો છે. સુરક્ષા પરિષદે હવે તેને પ્રાધાન્ય આપવાની જરૂર છે. યુએનનાં તમામ સભ્ય દેશો આતંકવાદને ખતમ કરવા માગે છે આમ છતાં આતંકી હુમલાઓ વધી રહ્યાં છે.