વોશિંગ્ટનઃ આધુનિક યુગના દાદી અને પૌત્રની આ વાત છે, જેમાં પૌત્ર બ્રાડ રાયને 92 વર્ષના દાદી જોયને અંતરિયાળ અલાસ્કાના ડેનાલી નેશનલ પાર્ક સહિત દેશના 63માંથી 62 નેશનલ પાર્કનો ભવ્ય પ્રવાસ કરાવ્યો છે. બન્યું એવું કે દાદીએ કદી પર્વત જોયો ન હતો અને તેમણે વાતવાતમાં જ બ્રાડ સમક્ષ આ રહસ્ય ખોલી નાખ્યું તેમાંથી સાત વર્ષના નેશનલ પાર્ક્સ પ્રવાસના સાહસે જન્મ લીધો હતો.
મૂળ તો વોશિંગ્ટન ડીસીમાં રહેતા 41 વર્ષના બ્રાડ રાયને મોટા પાયે પ્રવાસનું આયોજન કર્યું જ ન હતું. તેણે દાદીમાને ટેનેસીના નેશનલ પાર્કમાં આવેલો પર્વત બતાવવાની ઓફર કરી હતી. પર્વત સુધી ચાલતાં જઈને અપલક નિહાળી રહેલાં દાદીના ચહેરા પરના અવર્ણનીય આનંદે બ્રાડને પણ ચેપ લગાવ્યો. 85 વર્ષના વૃદ્ધ દાદી સાથે પર્વત સુધી દોડીને નહિ પરંતુ, ચાલતા જવાના આનંદે બ્રાડના નજરિયાને બદલી નાખ્યો હતો.
7 વર્ષમાં 50 હજાર માઈલનો પ્રવાસ
સાત વર્ષના ગાળામાં દાદી-પૌત્રે મહાન સાહસિકોની પ્રવાસ ભાગીદારી બનાવી છે. તેમણે સમગ્ર યુએસમાં 50,000 માઈલ્સ (આશરે 80,000 કિલોમીટર) વાહન હંકાર્યા છે અને દેશના 63 નેશનલ પાર્ક્સમાંથી 62 પાર્ક્સની મુલાકાત લીધી છે. તેણે હવે માત્ર નેશનલ પાર્ક ઓફ અમેરિકન સામોઆની મુલાકાત લેવાની બાકી રહી છે. આ નેશનલ પાર્ક જવા માટે 92 વર્ષના જોય રાયને જિંદગીમાં પહેલી વખત પાસપોર્ટ મેળવ્યો છે.
દાદી અને પૌત્રે પ્રથમ 28 પાર્કનો પ્રવાસ ટાઈટ બજેટ સાથે કર્યો હતો. તેઓ તંબુ લગાવીને રહેતા અને નૂડલ્સ જ ખાતા. લાંબુ ચાલવાનું થાય ત્યારે બ્રાડ દાદીમાને પીઠ પર ઉંચકીને લઈ જવા આગ્રહ કરતો પરંતુ, તેઓ માનતાં જ નહિ. 2019માં મેઈન ખાતે અકાડિઆ નેશનલ પાર્કના રેતાળ બીચ પર દાદી-પૌત્રની તસવીરે જાણે તહલકો મચાવી દીધો અને હયાત હોટેલ કંપનીએ 45 દિવસનો પ્રવાસ સ્પોન્સર કરવાની ઓફર કરી દીધી. કૂકિંગ શો અને ક્લોધિંગ કંપનીએ અલાસ્કામાં અઢી સપ્તાહ ગાળવાનું ફંડ આપ્યું અને તેમણે અહીં આઠ નેશનલ પાર્ક્સની મુલાકાત લીધી હતી.
બ્રાડના પેરન્ટ્સના ડાઈવોર્સ પછીના 10 વર્ષમાં દાદી અને પૌત્ર વચ્ચે ગાઢ સંબંધ ન હતો પરંતુ, હવે તેમની પાસે વાતોનો ખજાનો ખુલી ગયો છે. દાદીમા જોયે 1994માં પતિ અને તે પછી બે પુત્રોને ગુમાવ્યાં હતાં. હવે તે બ્રાડની સાથે બરાબર ખુલી ગયાં હતાં.
દાદી જોય રાયન 85 વર્ષના થયાં ત્યાં સુધી તેમના ઓહાયોના ગામથી કદી બહાર પગ મૂક્યો ન હતો. તેમના સમયમાં વીજળી કે નળમાંથી વહેતા પાણીની સવલત ન હતી. ગામમાં ઉછર્યાં હોવાથી ગાયોની સારસંભાળ અને મકાઈની વાવણીમાં જ તેનું જીવન વીત્યું હતું. લગ્ન થયાં પછી ત્રણ બાળકોનો ઉછેર, ગિફ્ટ શોપ ચલાવવાના કામ પછી જ્યારે પણ રજાઓ ગાળવાની હોય ત્યારે માછીમારીનો આનંદ માણી લેતાં હતાં. પતિના મૃત્યુ પછી તેમણે જીવનગાડું ચલાવવા કરિયાણાની દુકાનમાં પણ કામ કર્યું હતું.