લંડનઃ ઈથિયોપિયામાંથી મળી આવેલી એક ખોપરીનો અભ્યાસ કરતા એવું રોમાંચક તારણ નીકળ્યું છે કે આ ખોપરી આજના માણસના સૌથી જૂના પૂર્વજની છે. જે પ્રજાતિ આજથી ૪૨ લાખ વર્ષ પૂર્વે આ પૃથ્વી પર વસવાટ કરતી હતી. ખોપરીના હાડકાંઓની ગોઠવણી કરીને આપણા આ પૂર્વજનો ચહેરો કેવો હતો તે પણ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે.
આ ખોપરી ઈથિયોપિયામાંથી વર્ષ ૨૦૧૬માં મળી આવી હતી. પુરાતત્વવિદોના જણાવ્યા મુજબ તે ઓસ્ટ્રેલોપિથેક્સ એનેમેનીસ તરીકે ઓળખાતી એક પ્રાચીન જીવ પ્રજાતિની છે, જે પ્રજાતિ લ્યુસી તરીકે ઓળખાતી એફારેન્સીસ પ્રજાતિ કરતાં પણ વધુ પ્રાચીન છે. આ ખોપરીના જડબાનાં હાડકાં અને દાંતના ભાગો પરથી વૈજ્ઞાનિકોએ એ અંદાજ મેળવ્યો છે કે આ પ્રજાતિનો ચહેરો કેવો હશે.
વૈજ્ઞાનિક તારણ પ્રમાણે આ પ્રજાતિની ખોપરી લાંબી અને સાંકડી હતી. હાલના માણસની જે ખોપરી છે તેના કરતા આ ખોપરી નાની છે. આ પ્રજાતિની દાઢીના ભાગના હાડકાઓ પરથી જણાય છે કે તેનો ચહેરો હાલના માનવીના ચહેરાને ઘણો મળતો આવતો હતો. આ પ્રજાતિ અને તેની સાથે બીજી બે - માનવીના પૂર્વજ જેવી - પ્રજાતિ એક સાથે જ આ ધરતી પર વસતા હતા અને લગભગ એક લાખ વર્ષ સુધી તેમનો વસવાટ રહ્યો હતો એમ તારણ નીકળ્યું છે.
ઈથિયોપિયામાં એક નદીના કિનારેથી આ ખોપરી મળી આવી હતી અને તેના પરથી વૈજ્ઞાનિકોને આપણા સૌથી પ્રાચીન પૂર્વજ વિશે ઘણું જાણવા મળી શક્યું છે. આ ખોપરી મળી આવી તે પહેલાં પણ આવી પ્રજાતિ આ ધરતી પર વિચરતી હતી તેવો અંદાજ તો હતો, પણ તેના વિશે થોડીક અને છુટીછવાઈ માહિતી હતી. ઓસ્ટ્રેલોપિથેક્સ એનેમેનીસ એ આપણા સૌથી પ્રાચીન પૂર્વજ મનાય છે અને હાલના માણસોના સીધા પૂર્વજ હોમો એ આ પ્રજાતિમાંથી જ ઉત્ક્રાંત થયા હોવાનું માનવામાં આવે છે.