ન્યૂ યોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ન્યૂ યોર્કના લોન્ગ આઇલેન્ડના નસાઉ કોલેજિયમ ખાતે યોજાયેલા ‘મોદી એન્ડ યુએસ’ ઇવેન્ટમાં અમેરિકાવાસી ભારતીય સમુદાયના હજારો લોકોને સંબોધ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે અમેરિકા-ઈન્ડિયા વિશ્વનો નવો AI પાવર છે. આપણું નમસ્તે પણ મલ્ટીનેશનલ થઈ ગયું છે. લોકલમાંથી ગ્લોબલ થઇ ગયું છે. આ બધું તમે કર્યું છે. સાથીઓ, હું હંમેશા તમારું સામર્થ્ય સમજ્યો છું. મારી પાસે કોઈ સરકારી પદ નહોતું ત્યારે પણ સમજતો હતો અને આજે પણ સમજું છું. તમે બધા હંમેશા ભારતના સૌથી મજબૂત બાન્ડ એમ્બેસેડર રહ્યા છો. તેથી હું તમને સૌને રાષ્ટ્રદૂત કહું છું. મા ભારતીએ આપણને જે કંઈ શીખવ્યું છે તે આપણે ક્યારેય ભૂલી શકવાના નથી. આપણે જ્યાં પણ જઈએ ત્યાં બધાને પરિવાર માનીને તેમની સાથે ભળી જઇએ છીએ. ડાયવર્સિટીને સમજવી, તેને જીવવી અને જીવનમાં ઉતારવી એ આપણા સંસ્કારોમાં, આપણી નસેનસમાં છે. આપણે સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ ધરાવતા દેશના વાસી છીએ. આ હોલમાં બેઠેલા લોકોમાંથી કોઈ તમિલ બોલે છે, કોઇ તેલુગુ, કોઈ કન્નડ, કોઈ પંજાબી, કોઈ મરાઠી તો કોઈ ગુજરાતી બોલે છે. ભાષા અનેક છે પણ ભાવ એક છે અને એ ભાવ છે ભારતમાતા કી જય.
વિકસિત ભારતનું નિર્માણ કરશે ‘પુષ્પ’ની પાંચ પાંખડી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમને એક શબ્દ યાદ રહેશે, PUSHP (પુષ્પ). પુષ્પની પાંચ પાંખડીઓ છે - પ્રોગ્રેસિવ ભારત, અનસ્ટોપેબલ ભારત, સ્પિરિચ્યુઅલ ભારત, હ્યુમેનિટી ફર્સ્ટ ભારત અને પ્રોસ્પરસ ભારત મળીને વિકસિત ભારતનું નિર્માણ કરશે.