જોહાનિસબર્ગઃ આફ્રિકન દેશોમાં વ્યાપક ભ્રષ્ટાચારથી ત્રાસીને યુવાનો વિદેશ સ્થળાંતર કરી રહ્યા છે. તેમની પ્રથમ પસંદગી નોર્થ અમેરિકા છે અને તે પછી વેસ્ટર્ન યુરોપમાં યુકે, ફ્રાન્સ, જર્મની અને સ્પેન આવે છે. 16 આફ્રિકન દેશોમાં યુવાવર્ગને સાંકળી કરાયેલા 2024 આફ્રિકન યુથ સર્વે અનુસાર આફ્રિકાની સરકારો ભ્રષ્ટાચારને અંકુશમાં લેતી ન હોવાના કારણે 60 ટકા યુવા આફ્રિકનો તેમના દેશને છોડવા માગે છે.
જોહાનિસબર્ગસ્થિત ઈશિકોવિત્ઝ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા કરાવાયેલા સર્વેમાં બોટ્સવાના, કેમેરૂન, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, આઈવરી કોસ્ટ, ઈથિયોપિયા, ગાબોન, ઘાના, કેન્યા, માલાવી, નામિબિયા, નાઈજિરિયા, રવાન્ડા, સાઉથ આફ્રિકા, ટાન્ઝાનિયા અને ઝામ્બીઆ દેશોના 18થી 24 વયજૂથના 5,604 લોકોનો સમાવેશ કરાયો હતો. આ લોકોએ તેમની પ્રગતિના આડે આવતો સૌથી મોટો અવરોધ ભ્રષ્ટાચાર હોવાનું કહ્યું હતું. 83 ટકાએ જણાવ્યું હતું કે તેમના દેશમાં ભ્રષ્ટાચારથી તેઓ ચિંતિત છે જ્યારે 62 ટકાએ કહ્યું હતું કે સરકારો તેનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે. લગભગ 58 ટકાએ આગામી ત્રણ વર્ષમાં દેશ છોડી જવાની તૈયારી દર્શાવી હતી.
યુવાનો ભ્રષ્ટાચારી રાજકારણીઓ હોદ્દાઓ મેળવી શકે નહિ તે સહિત કડક પ્રતિબંધો લાદવા ઈચ્છે છે. લગભગ 55 ટકાએ આફ્રિકન દેશો ઉલટી દિશામાં જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. 72 ટકા યુવાવર્ગ ભ્રષ્ટાચાર ઉપરાંત, વિદેશી પ્રભાવની નકારાત્મક અસરથી પણ ચિંતિત છે. વિદેશી કંપનીઓ દ્વારા આફ્રિકાની કુદરતી ખનિજોનું જોખમી શોષણ થઈ રહ્યું હોવાનું તેઓ માને છે. ચીન અને યુએસના પ્રભાવ બાબતે અનુક્રમે 82 ટકા અને 79 ટકા પોઝિટિવ મત ધરાવે છે આ દેશો મહત્ત્વના ધીરાણો અને આર્થિક સપોર્ટ પૂરાં પાડે છે. રશિયા અનાજ અને ખાતર પૂરા પાડતું હોવાથી તેનો પણ પોઝિટિવ પ્રભાવ છે.