નાઈરોબીઃ યુરોપીય દેશોમાંથી વપરાયેલાં વસ્ત્રો અને કાપડના કચરાનો 90 ટકા હિસ્સો નિકાસ મારફત આફ્રિકા અને એશિયાના દેશોમાં ખડકાતો હોવાનું યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના ડેટામાં બહાર આવેલ છે. ઓછી પડતરના ઉત્પાદન માટે આફ્રિકા અને એશિયા પર આધાર રાખતા યુરોપીય દેશો માટે આ નફાકારક બિઝનેસ છે પરંતુ, પર્યાવરણ પર તેની ખરાબ અસર સર્જાય છે.
યુરોપમાં દર વર્ષે આશરે 5.8 મિલિયન ટન ટેક્સટાઈલ વેસ્ટ ઉભો થાય છે જેમાં સિન્થેટિક ફાઈબરનો હિસ્સો આશરે બે-તૃતીઆંશ હોય છે. થોડા ટેક્સટાઈલ વેસ્ટને યુરોપમાં જ રીસાયકલ કરાય છે પરંતુ, સ્થાનિક રીસાયકલિંગ ક્ષમતા મર્યાદિત હોવાનાં કારણે બહુમતી કચરો આફ્રિકા અને એશિયામાં નિકાસ કરાય છે. 2019માં ઈયુ ટેક્સટાઈલ નિકાસના 60 ટકાથી વધુ આફ્રિકામાં થઈ હતી, જોકે, એશિયાનો હિસ્સો વધીને ઈયુથી આયાતના 41 ટકા જેટલો થયો છે.
નિકાસ કરાયેલા ટેક્સટાઈલ્સનું ભવિષ્ય અચોક્કસ રહે છે કારણકે આયાતી દેશોમાં પુનઃવપરાશ, રીસાયકલિંગ અથવા નિકાલ પદ્ધતિઓનું યોગ્ય દસ્તાવેજીકરણ કરાતું નથી. આફ્રિકન દેશોમાં આયાતી ટેક્સટાઈલ્સનો ઉપયોગ મુખ્યત્વે સ્થાનિક પુનઃવપરાશ માટે થાય છે પરંતુ, અયોગ્ય ટેક્સટાઈલ્સ લેન્ડફિલિંગ-પૂરણનાં કામમાં વપરાય છે. એશિયન દેશો ઈકોનોમિક ઝોન્સમાં વપરાયેલાં વસ્ત્રોને અલગ તારવી પ્રોસેસ કરાય છે અને ઓદ્યોગિક ચીંથરા કે પૂરણની સામગ્રી તરીકે ડાઉનસાયકલિંગ થાય છે.