• કેન્યામાં રદ કરાયેલા ટેક્સ પુનઃ લદાશે

Tuesday 20th August 2024 14:36 EDT
 

કેન્યામાં જોરદાર વિરોધના પગલે જૂનમાં રદ કરાયેલા ટેક્સીસમાંથી થોડા ટેક્સ પુનઃ લાદવા પડશે તેમ ફાઈનાન્સ મિનિસ્ટર જ્હોન એમ્બાદીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે. આના પગલે દેશમાં અસંતોષની આગ ફરી ભડકવાનું જોખમ છે. એમ્બાદીએ જણાવ્યું હતું કે શિક્ષકોના વેતન સહિત કેટલાક ખર્ચ ચૂકવવા ટેક્સ લાદવાની જરૂર છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પાર્લામેન્ટ સમક્ષ તેની દરખાસ્તો મૂકાશે.

 મિનિસ્ટરની જાહેરાત પછી યુવા વર્ગના વિરોધ આંદોલન સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓએ કહ્યું હતું કે તેઓ ફરી શેરીઓમાં ઉતરી આવવા તૈયાર છે. યુવાનેતાઓએ પ્રમુખ રુટોને ફાઈનાન્સ બિલ ફરી લાવવાનો સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો છે. રદ ફાઈનાન્સ બિલમાં 2.70 બિલિયન ડોલર (346 બિલિયન શિલિંગ્સ) ઉભા કરવા ટેક્સ લગાવાયા હતા. વિપક્ષમાંથી સરકારમાં જોડાયેલા એમ્બાદીએ ચોથી ઓગસ્ટે ટેક્સવધારાની શક્યતા નકારી હતી.

કેન્યા એરપોર્ટ વર્કર્સની હડતાળ મુલતવીઃ

કેન્યાઝ વર્કર્સ એવિએશન યુનિયન (KAWU) દ્વારા સોમવાર 19 ઓગસ્ટથી શરૂ થનારી હડતાળ બે સપ્તાહ સુધી મુલતવી રખાઈ છે જેના પરિણામે, કેન્યાના મુખ્ય એરપોર્ટના વિકાસ માટે સૂચિત સોદા મુદ્દે સરકાર સાથે વાટાઘાટોનો સમય મળી રહેશે. યુનિયનની દલીલ છે કે નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટને અપગ્રેડ કરવા ભારતના અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ સાથે સમજૂતીથી નોકરીઓ ઘટશે અને બિનકેન્યન વર્કર્સનું પ્રમાણ વધશે. સરકારે એરપોર્ટનું વેચાણ થવાના અહેવાલો ફગાવી દેતા કહ્યું છે કે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપમાં આગળ વધવું કે કેમ તેનો નિર્ણય હજુ લેવાયો નથી. ભારતીય બિલિયોનેર ગૌતમ અદાણીની કંપનીએ નાઈરોબી એરપોર્ટના વિકાસમાં મોટા પાયે ઈન્વેસ્ટમેન્ટની દરખાસ્ત મૂકી છે. કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાછળ 1.85 બિલિયન ડોલરના ખર્ચનો અંદાજ છે. સૂચિત અપગ્રેડેશન પ્રોજેક્ટના પ્રથમ પાંચ વર્ષમાં 830 મિલિયન ડોલરની જરૂર રહેશે.

કમ્પાલા લેન્ડસ્લાઈડમાં મૃત્યુઆંક વધીને 35 થયોઃ

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં કિટિઝી લેન્ડફિલ ડમ્પસાઈટ ધસી પડવાથી મૃત્યુઆંક વધીને 35 થયો છે. ભારે વરસાદના લીધે શનિવાર 9 ઓગસ્ટે ડમ્પસાઈટ ધસી પડવાની દુર્ઘટનામાં સંખ્યાબંધ માણસો અને મકાનો દટાઈ ગયાં હતાં. ફસાઈ ગયેલા લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલે છે અને વધુ 35 વ્યક્તિ લાપતા હોવાના અહેવાલ છે. પ્રેસિડેન્ટ મુસેવેનીએ આ ઘટનામાં તપાસના આદેશ જારી કર્યા છે. બાળકો અને સ્ત્રીઓ વધુ આવક મેળવવા પ્લાસ્ટિક વેસ્ટ શોધવા ભારે ઢોળાવ સાથેની ડમ્પસાઈટ પર જતા હોય છે અને નજીકમાં કેટલાક મકાનો પણ બાંધી દેવાયા હતા. કમ્પાલા સત્તાવાળાઓ 2016થી આ ડમ્પસાઈટ અન્યત્ર ખસેડવા વિચારે છે જેનો અમલ હજુ સુધી થયો નથી.

કોંગોમાં ISISના હુમલામાં 16નાં મોતઃ

ઉત્તર-પૂર્વીય કોંગોમાં ઈસ્લામિક સ્ટેટ જૂથ (ISIS) સાથે સંકળાયેલા આતંકીઓએ કરેલા હુમલામાં 16 ગ્રામજનોના મોત નીપજ્યા છે અને ઘણાને ઈજા પહોંચી છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ ઉપરાંત,આતંકવાદીઓએ અન્ય 20 લોકોનું અપહરણ કરવાથી સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક નાગરિક સમાજ જૂથ. ન્યૂ સિવિલ સોસાયટી ઓફ કોંગોના સમન્વયકના જણાવ્યા મુજબ એલાઈ઼ડ ડેમોક્રેટિક ફોર્સીસના હુમલાખોરોએ ઈટુરી પ્રાંતના મમ્બાસા વિસ્તારમાં બુધવાર અને શુક્રવારની વચ્ચે ખેતરોમાં કામ કરી રહેલા સ્થાનિક લોકો પર હુમલા કર્યા હતાં. સ્થાનિક મીડિયા અનુસાર અપહ્યત લોકોમાં એક સ્થાનિક સરકારી અધિકારીના માતા અને બહેન પણ સામેલ છે.

યુગાન્ડા કોર્ટે LRA કમાન્ડર ક્વોયેલોને દોષી ઠરાવ્યોઃ

યુગાન્ડાની કોર્ટે બળવાખોર લોર્ડ્સ રેઝિસ્ટન્સ આર્મી (LRA)ના કમાન્ડર થોમસ ક્વોયેલોને હત્યા, બળાત્કાર, ગુલામી, અત્યાચાર સહિત 70થી વધુ યુદ્ધ અપરાધો માટે દોષી ઠરાવ્યો છે. યુગાન્ડાના લશ્કરે 2009માં તેને નોર્થઈસ્ટર્ન કોંગોના જંગલોમાંથી ઝડપી લીધો હતો. સરકારને ઉથલાવી નાખવાના હેતુ સાથે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં ઉત્તર યુગાન્ડામાં LRAની સ્થાપના થઈ હતી. ભયાનક ક્રૂરતા, બળાત્કારો, અપહરણો, પીડિતોના અંગઉપાંગો કાપી નાખવા અને લોકોની અમાનુષી હત્યા માટે LRA કુખ્યાત બની હતી. લશ્કરી દબાણના પરિણામે LRAને 2005માં સાઉથ સુદાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં નાસી જવું પડ્યું હતું અને ત્યાં પણ નાગરિકો પર ક્રૂર હુમલાઓ ચાલુ રાખ્યા હતા.

સાઉથ આફ્રિકામાં 8.4 મિલિયન લોકો બેરોજગારઃ

સાઉથ આફ્રિકામાં બેરોજગારી દર 0.6 ટકા વધીને 33.5 ટકા નોંધાયો છે. આફ્રિકાનું સૌથી મોટું ઔદ્યોગિક અર્થતંત્ર લાંબી મંદી અને કોવિડ મહામારીના પગલે નોકરીઓ સર્જવામાં નિષ્ફળ રહ્યું છે અને 8.4 મિલિયન લોકો બેરોજગાર છે જે આંકડો 2014માં 5.2 મિલિયન હતો. 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રોજગારી ધરાવતા લોકોની સંખ્યા 92,000ના ઘટાડા સાથે 16.7 મિલિયન થઈ હતી. વેપાર, કૃષિ અને બાંધકામના ક્ષેત્રોમાં રોજગારી ઘટી છે જ્યારે મેન્યુફેક્ચરિંગ, સોશિયલ સર્વિસીસ અને યુટિલિટીઝ ક્ષેત્રો જ રોજગારી આપી શક્યા છે. મે મહિનાની ચૂંટણીમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓના પરિણામે આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં બહુમતી ગુમાવવી પડી હતી.

પોલ મેકેન્ઝી સામે માનવવધનો ખટલો શરૂઃ

કેન્યાના કહેવાતા ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના પાદરી પોલ મેકેન્ઝી સામે માનવનવધનો ખટલો શરૂ કરી દેવાયો છે. બની બેઠેલા પાદરીના 400થી વધુ અનુયાયીના મોતના પગલે મેકેન્ઝી વિરુદ્ધ હત્યા, બાળ અત્યાચાર, ક્રૂરતા અને ટેરરિઝમના આરોપો લગાવાયા છે. મૃત્યુ પછી ઈસુ ખ્રિસ્ત સાથે મિલન થશે તેવા આદેશ પછી બાળકો સહિત અસંખ્ય લોકોએ આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. ગત 2023ના એપ્રિલમાં સેંકડો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા હતા. મેકેન્ઝી તેમજ 55 પુરુષ અને 40 મહિલા સહિત અન્ય શકમંદોને 12 ઓગસ્ટે મોમ્બાસા મેજિસ્ટ્રેટ્સની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

કેન્યાના 100,080 વિદ્યાર્થીને નવા એડમિશન લેટર્સઃ

પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના આદેશના પગલે કેન્યાની 36 યુનિવર્સિટીઓ દ્વારા 100,080 વિદ્યાર્થીને નવા એડમિશન લેટર્સ મોકલી અપાયા છે. 125,000થી વધુ વિદ્યાર્થીએ વિવિધ યુનિવર્સિટીઓમાં ડીગ્રી પ્રોગ્રામ્સ માટે અરજીઓ કરી હતી. નવા એડમિશન્સની વિશેષતા એ છે કે તેમાં નવાં ફીમાળખાનો અમલ કરાયો છે. ડીગ્રી પ્રોગ્રામ્સના કુલ ખર્ચ સામે માત્ર પારિવારિક યોગદાન જ આપવાનું રહેશે. પેરન્ટ્સે સ્કૂલ ફીઝ તરીકે ઓછી ચૂકવણી કરવી પડે તે માટે સરકારે બજેટમાં હાયર એજ્યુકેશન સેક્ટરને 45 બિલિયન શિલિંગ્સની ફાળવણી વધારીને 82 બિલિયન શિલિંગ્સ કરી છે.

મુસેવેની વિશે અશ્લીલ કન્ટેન્ટ બદલ ટિકટોકરને જેલઃ

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની, તેમના પત્ની અને લશ્કરી વડા પુત્ર જનરલ મુહુઝી કાઈનેરુગાબા વિશે અશ્લીલ અને દ્વેષપૂર્ણ કન્ટેન્ટ બદલ ટિકટોકર એડવર્ડ આવેબ્વાને 6 વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. આરોપીએ ગુનાની કબૂલાત કરી માફી આપવા વિનંતી કરી હતી પરંતુ, મેજિસ્ટ્રેટે વિનંતી નકારતા જણાવ્યું હતું કે આરોપીના ચહેરા પર પશ્ચાતાપની લાગણી જણાતી નથી અને તેણે બહુ ખરાબ ભાષાપ્રયોગ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter