જિનિવાઃ આફ્રિકા ખંડના મધ્ય-પૂર્વ છેડે આવેલા દેશ ગેબોનમાં ૪૦ ભારતીય કામદારો ફસાઈ ગયા હોવાનો અહેવાલ રાષ્ટ્રસંઘના માનવાધિકાર કમિશને તાજેતરમાં આપ્યો હતો. થોડા દિવસ પહેલાં યુએન હ્યુમન રાઈટ કમિશન (યુએનએચઆર) દ્વારા આ અંગે ભારત સરકારને જાણ કરાઈ હતી. સાથે ગેબોન સરકારને પણ કહેવાયું છે કે ત્યાં આવેલા ગેબોલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કામદારોના શોષણની ઘટના બની રહી છે. બંને સરકારો મળીને હવે તપાસ કરી રહી છે.
યુએનએચઆરસીની વેબસાઈટ પર મૂકવામાં આવેલી વિગત પ્રમાણે કામદારોનું શોષણ કરનારી કંપનીનું નામ એક્યુરેટ ઈન્ડસ્ટ્રીઝ છે અને ટિમ્બર (ઈમારતી લાકડા)ના બિઝનેસ સાથે સંકળાયેલી છે.
કયા કામદારો ફસાયા તેના નામ રાષ્ટ્રસંઘે સલામતી ખાતર જાહેર કરવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ ગેબોનના આ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં મોટા ભાગની કંપની ફર્નિચર, વૂડન ઈન્ડસ્ટ્રીઝ, પ્લાઈવૂડ મેકિંગનું કામ કરે છે. તેમાં અનેક ગુજરાતી કંપનીઓનું પણ રોકાણ છે. માટે આ કંપની પણ ગુજરાત સાથે પરોક્ષ-પ્રત્યક્ષ રીતે સંકળાયેલી હોય એવી શક્યતા છે.
બીજી તરફ ત્યાં ફસાયેલા કામદારો પૈકી અમુક ગુજરાતી હોય એવી પણ આશંકા છે. યુએનએચઆર દ્વારા કહેવાયું છે કે આ કામદારો સાથે છેતરપિંડી કરીને તેમને અહીં કામ કરવા માટે અહીં લવાયા છે. એ પછી કંપનીએ તેમની પાસેથી ઓળખના દસ્તાવેજો અને પાસપોર્ટ વગેરે જપ્ત કરી લીધા છે. માટે આ કામદારો કંપનીની ઈચ્છા વિરુદ્ધ અહીંથી ક્યાંય જઈ શકે એમ નથી. આ કામદારોને તેમના કામ અંગેનો કોઈ લેખિત કોન્ટ્રાક્ટ, વર્ક વિઝા, સાપ્તાહિક રજા, અન્ય લાભો વગેરે આપવામાં આવ્યું નથી. ઓવરટાઈમ કરાવામાં આવે તો તેની પણ ચૂકવણી થતી નથી અને પગાર રેગ્યુલર ચૂકવાતો નથી.
યુએનએચઆરના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી પાસે આ કામદારોની દયનીય સ્થિતિ અંગે માહિતી આવી એટલે અમે તપાસ કરી છે. એ પછી આ ફરિયાદ સાચી જણાતા તે અંગે ભારત અને ગેબોન બંને દેશની સરકારને જાણ કરી દીધી છે. જાણકારી મળ્યા પછી વિદેશ મંત્રાલયે તપાસ શરૂ કરી છે અને ગેબોન ખાતેના ભારતના હાઈ-કમિશનરને વધુ વિગતો મેળવવા કહેવાયું છે.