હરારેઃ આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને મલાવીના ૧૫૦થી વધુ લોકોનાં મોત થયાનું નોંધાયું છે. સેંકડો લોકો લાપતા થયાના પણ અહેવાલ છે.
વાવાઝોડાના કારણે ઠેરઠેર રસ્તાઓ તૂટી પડ્યા છે અને વીજળીનાં થાંભલા તૂટી જવાથી લાખો લોકો અંધાપરપટમાં અટવાઈ ગયા છે.
૧૬મીએ સંદેશાવ્યહાર ખોરવાઈ ગયો હતો અને અન્ક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળતાં સંપર્ક કપાઈ ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારીઓ તેમજ ત્રણ દેશની સરકારોનાં જણાવ્યા મુજબ ૧૫ લાખ લોકો વાવાઝોડું અને પૂરના કારણે પ્રભાવિત છે. મોઝામ્બિકમાં માલમિલકત અને ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ૧૬મીએ વાવાઝોડાના કારણે બૈઈરાનું એરપોર્ટ અને સ્કૂલો તેમજ કોલેજો બંધ રખાયા હતા. મોઝામ્બિકનાં પ્રમુખ ફિલીપ નાયુસીએ કહ્યું હતું કે વાવાઝોડાને કારણે દેશની માલમિકત અને ઊભા પાકને ભારે નુકસાન થયું છે. પૂરના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ સર્જાયા છે.
ઝિમ્બાબ્વેમાં ૩૧નાં મોત
ઝિમ્બાબ્વેમાં ૩૧ લોકોનાં મોત થયાં છે જેમાં સૌથી વધુ જાનહાનિ ચીમનીમનીમાં થઈ છે. સ્કૂલમાં ફસાયેલા ૧૯૭ વિદ્યાર્થીઓને આર્મી દ્વારા બચાવવામાં આવ્યા છે. કેટલાક લોકો લાપતા થઈ ગયા છે. સાઉથ આફ્રિકાની સરકારે લોકોને બચાવવા નાનું વિમાન અને દવાઓ તેમજ ડોક્ટરોની ટીમ મોઝામ્બિક અને મલાવીમાં મોકલી છે.
મોઝામ્બિકમાં ૧૮ હોસ્પિટલો, ૯૩૮ શાળાના ઓરડા ૧૬મીએ જમીન ભેગા થઇ ગયા હતા જેના કારણે ૯૭૬૪ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી. એક સરકારી પ્રવકતાએ કહ્યું હતું કે ૧૬૮૦૦૦ હેકટર જમીનનો પાક નાશ પામ્યો હતો. સત્તા દ્વારા જાહેર કરાયું કે, વરસાદથી પ્રભાવિત ૮૦૦૦૦ પરિવારના લોકોને મદદ કરવા સરકારને ૧.૬ કરોડ ડોલરની જરૂર છે. મોઝામ્બિકમાં અવારનવાર પૂર આવે છે. વર્ષ ૨૦૦૦માં પૂરના કારણે ઓછામાં ઓછા ૮૦૦ જણાનો ભોગ લેવાયો હતો જ્યારે ૨૦૧૫માં ૧૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા.