કેપટાઉનઃ ટાન્ઝાનિયાના જીમમાંથી બંદૂકની અણીએ અપહરણ કરાયેલા આફ્રિકાના ૪૩ વર્ષીય સૌથી યુવા બિલિયોનેર મોહમ્મદ દેવજીની સલામત વાપસી માટે તેના પરિવારે જંગી ઇનામ જાહેર કર્યું છે. પરિવારે જાહેર કર્યું છે કે મોહમ્મદ સુધી પહોંચાડે તેવી માહિતી આપનારને વળતર પેટે ૪.૪૦ ડોલર આપવામાં આવશે.
મોહમ્મદ દેવજી ગૂમ થયા તે પછી તેમના પરિવાર દ્વારા અપાયેલા પ્રથમ જાહેર નિવેદનમાં તેમના કાકા અઝીમ દેવજીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મોહમ્મદ દેવજી ક્યાં છે તે વિશેની માહિતી આપનારની તમામ વિગતો ખાનગી રખાશે.
Mo તરીકે જાણીતા મોહમ્મદ દેવજીની ૧.૫ બિલિયન ડોલરની અંગત સંપત્તિ છે. તેઓ દાર-એ-સલામની કોલોઝિયમ હોટલના જીમમાં વહેલી સવારની રોજિંદી કસરત માટે પહોંચ્યા ત્યારે ચાર સશસ્ત્ર લોકો તેમનું અપહરણ કરી ગયા હતા. મોહમ્મદ દેવજી પરિણિત છે અને તેમને ત્રણ બાળકો છે. દેવજીના પિતા ગુલામ દેવજી અને અઝીમ દેવજીએ માહિતી આપનારને તેમના પરિવારનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.
અઝીમ દેવજીએ જણાવ્યું હતું કે માહિતી અને માહિતી આપનાર બન્નેની વિગતો પરિવાર અને માહિતી આપનાર સૂત્ર વચ્ચે જ ગુપ્ત રાખવાનું પરિવાર વચન આપે છે. તેમણે ઉમેર્યું હતું, અમારા વહાલા પુત્ર મોહમ્મદ દેવજીનો પત્તો આપવા આગળ આવનારને ખાતરી આપીએ છીએ કે તેમની માહિતી ગુપ્ત રખાશે.
અપહરણના મામલામાં અત્યાર સુધીમાં ૩૦ લોકોની ધરપકડ કરાઈ છે અને તેઓ તપાસકારો સાથે ટાન્ઝાનિયાની પોલીસને સહકાર આપી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે દેવજીનું જ્યારે અપહરણ કરાયું ત્યારે તેમની સાથે સિક્યુરિટી જવાનો હતા કે નહીં તેની માહિતી નથી. અધિકારીઓએ મોહમ્મદ દેવજીને ‘શ્વેત’ લોકો લઈ ગયા હોવાનું કહીને આ ઘટનામાં વિદેશી લોકોની સંડોવણી હોવાનું જણાવ્યું હતું.
મોહમ્મદ દેવજી ૧૦ દેશોમાં કાર્યરત MeTL ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ હતા. આ ગ્રૂપ એગ્રીકલ્ચર, ઈન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને ફૂડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું છે.
તેઓ ૨૦૦૫થી ૨૦૧૫ સુધી સંસદસભ્ય હતા અને ૨૦૧૩માં ‘ફોર્બ્સ’ મેગેઝિનના કવરપેજ પર ઝળકેલા પ્રથમ ટાન્ઝાનિયન હતા. મોહમ્મદ દેવજી ટાન્ઝાનિયાની સિમ્બા FC ફૂટબોલ ક્લબના મુખ્ય શેરહોલ્ડર હતા.