કિન્હાસા,નાઈરોબી, કમ્પાલાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં મોટા પાયે મન્કીપોક્સ (Mpox)નો નવો સ્ટ્રેઈન ફેલાયા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ બુધવારે Mpoxને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે. અગાઉ, સમગ્ર આફ્રિકા અને ખાસ કરીને કોંગો અને આસપાસના દેશોમાં વર્ષ દરમિયાન શીતળા જેવા વાઈરલ રોગ Mpoxના 15,000થી વધુ કેસ અને 461 મોત નોંધાતા આફ્રિકાની સૌથી મોટી આરોગ્ય સંસ્થાએ તેને જાહેર આરોગ્ય ઈમર્જન્સી જાહેર કરી હતી જે ત્રણ વર્ષમાં બીજી વખત છે. મંકીપોક્સ ચેપી રોગ હોવાથી અને વાઈરલ ઈન્ફેક્શન ભયજનક દરે ફેલાઈ રહ્યું હોવાથી WHOએ એલર્ટ જાહેર કરેલ છે.
આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં આફ્રિકા ખંડના બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિત18 દેશોમાં મંકીપોક્સના 17,000થી વધુ શંકાસ્પદ કેસ અને 517 મૃત્યુ નોંધાયા છે. ઘણા દેશમાં Mpox અગાઉ જોવા મળ્યો નથી. ગયા વર્ષની સરખામણીએ કેસીસમાં 160 ટકા અને મૃત્યુમાં આશરે 19 ટકાનો ઉછાળો આવ્યો છે. કોંગોમાં ક્લેડ I વાઈરસના ફેલાવાથી મંકીપોક્સ રોગની શરૂઆત થઈ હતી. નવો સ્ટ્રેન ક્લેડ-Ib વાઈરલ થયો છે, જે બાળકોમાં વધુ તેમજ સામાન્ય સંપર્ક અને જાતીય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે. DRC ના માઈનિંગ ટાઉન કામિટુગાના સેક્સ વર્કર્સમાં સ્ટ્રેન ક્લેડ-Ib ગત સપ્ટેમ્બરમાં દેખાયો હતો
આ વાઇરસ શીતળા માટે પણ જવાબદાર ઓર્થોપોક્સ વાઇરસ જીનસ ફેમિલીનો સભ્ય છે, જેમાં ફ્લૂ જેવાં લક્ષણો દેખાય છે અને શરીર પર પરૂ ભરેલા ફોલ્લા, લાલ ચકામાં પડે છે. કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવ્યા પછી તાવ અને ફોલ્લીઓ સહિતના લક્ષણો દેખાવામાં દિવસો અથવા થોડાં સપ્તાહ લાગી શકે છે.
વર્ષ 2022ના જુલાઈમાં યુકેમાં 2,137 કેસ નોંધાયા હતા જે 31 ડિસેમ્બર સુધી વધીને 3,732 કેસ થયા હતા જેમાંથી ઈંગ્લેડમાં 3,553, વેલ્સમાં 48, સ્કોટલેન્ડમાં 97અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 34 કેસ હતા. યુકેમાં 2023અને 2024ના જૂન સુધીમાં માત્ર 239 કેસ જોવા મળ્યા હતા. જોકે, સમગ્ર રોગચાળામાં કોઈનું મોત થયું નથી.