બૈજિંગઃ વિશ્વના અનેક દેશ શત્રુ પર નજર રાખવા માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચીને પોતાના જ નાગરિકો અને પાડોશી દેશોની સૈન્ય પ્રવૃતિ પર નજર રાખવા માટે એક નવી જ ટેક્નિક વિકસાવી છે.
ચીને હાલમાં આબેહૂબ પક્ષી જેવાં દેખાતાં ડ્રોન તૈયાર કર્યાં છે. આ ડ્રોન પંખી જેવી આબેહૂબ પાંખો ધરાવે છે. પાંખો પણ પંખીની જેમ જ ફફડાવે છે. અસલી અને નકલી પંખીને ભેદ કરવો મુશ્કેલ બની રહે તે રીતની ડિઝાઈન છે. પંખીની પાંખોની ૯૦ ટકા નકલ કરીને આ ડ્રોન તૈયાર થયા છે. ઉપયોગ કરતાં પહેલાં આ ડ્રોન પંખીનું ૨,૦૦૦ વાર પરીક્ષણ થઈ ચૂક્યું છે.
ચીન આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શિન્જિયાંગ પ્રાંતમાં ઉઈઘુર આતંકવાદીઓ પર નજર રાખવા કરી રહ્યો છે. શિન્જિયાંગ પ્રાંતમાં જ ભારત અને ચીન વચ્ચેનો વિવાદિત અક્સાઈ ચીન પ્રદેશ આવેલો છે. કહેવાય છે કે આ વિસ્તારમાં પણ જાસૂસી માટે ડ્રોન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ડ્રોનનું કોડનેમ ડવ રાખવામાં આવ્યું છે.
રડારમાં ઝડપાતું નથી
આકાર નાનો હોવાને કારણે રડારની નજરમાં આ પંખી જેવા ડ્રોન્સ નથી આવતાં. તેનું વજન ૨૦૦ ગ્રામ છે. તે પ્રતિ કલાક ૪૦ કિ.મી.ની ગતિએ ઊડે છે. તેથી તેના પર શંકા પણ નથી આવતી. તેમાં ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ, જીપીએસ, આધુનિક કેમેરા અને સેટેલાઇટ ડેટા લિંક પણ ઉપલબ્ધ છે. ચીન ભવિષ્યમાં વધુ સંખ્યામાં આ પ્રકારના ડ્રોન તૈયાર કરશે.