લંડનઃ મુક્ત અવરજવરના ઈયુ નિયમોનો ગેરલાભ લઈ આયર્લેન્ડમાં રહેતા હોવાના બનાવટી દસ્તાવેજો દ્વારા પરિવારના સભ્યોને યુકેમાં લાવવાનું કૌભાંડ બીબીસી તપાસમાં બહાર આવ્યું છે. યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA)ની બહાર રહેતા નિકટના સગાંને યુકેમાં પ્રવેશ અપાવવા યુકેના હજારો નાગરિકો આ કૌભાંડનો આશરો લે છે. પોલીસના જણાવ્યા અનુસાર ‘સુરિન્દર સિંહ રુટ’ તરીકે ઓળખાતા મલ્ટિ-મિલિયન પાઉન્ડના કૌભાંડમાં ઈમિગ્રેશન એડવાઈઝર્સ, વકીલો અને એકાઉન્ટન્ટ્સ સંડોવાયેલા છે. દર વર્ષે આશરે ૨૦,૦૦૦ બિન-યુરોપીય પરિવારજનો આ માર્ગે યુકેમાં આવે છે.
જો યુકેનો નાગરિક ચોક્કસ સમય માટે અન્ય યુરોપીય દેશમાં કામકાજ અને વસવાટ કરે તો તેઓ પાછા ફરે ત્યારે તેમની ગણતરી બ્રિટિશ નહિ પરંતુ ઈયુ કાયદા હેઠળ થાય છે. આનો અર્થ એ છે કે તેઓ બ્રિટિશરો માટેના ઈમિગ્રેશન નિયમોના અમલ વિના જ બિન- EEA જીવનસાથીને પોતાની સાથે યુકેમાં લાવી શકે છે. બ્રિટિશ સરકારે ૨૦૧૨માં ઈયુ બહારના દેશોમાંથી જીવનસાથીને યુકેમાં લાવવા બ્રિટિશ નાગરિકો માટે લઘુતમ આવકનો નિયમ દાખલ કર્યા પછી ‘સુરિન્દર સિંહ રુટ’નો ઉપયોગ વધ્યો હતો.
કૌભાંડીઓ હજારો પાઉન્ડ લઈને કોઈ વ્યક્તિ બ્રિટનમાં રહેવા છતાં અન્ય યુરોપીય દેશ, ખાસ તો આયર્લેન્ડ સ્થળાંતર કરી ગઈ હોય તે મુજબની બનાવટી જીવનકથા ઉભી કરે છે. તે વ્યક્તિને ડિરેક્ટર કે માલિક દર્શાવતી કંપની ઉભી કરે છે અને તેના કામકાજનો ઈતિહાસ, પેસ્લિપ્સ, બેન્ક એકાઉન્ટ્સ ઉભાં કરી તેમના નામે નજીવો ટેક્સ પણ ભરાવે છે. આમ, તે વ્યક્તિ આયર્લેન્ડમાં જ રહેતી હોવાના દસ્તાવેજો ઉભા થાય છે. યુકેના ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગૂડવિલે જણાવ્યું હતું કે આવા લોકોને યુકેમાંથી હાંકી કાઢવા અને ૧૦ વર્ષ સુધી યુકેમાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરતા નવા કડક નિયમો ગયા મહિને જ દાખલ કરાયા છે.