નવી દિલ્હી: આરબ દેશોમાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન ૨૮,૫૨૩ ભારતીયોના મોત થયાં છે. રોજગાર અને સારી આવક કમાવવાની આશા લઇને ઘણી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અરબ દેશોમાં જાય છે, પરંતુ તેમની સલામતી અર્થે જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી આ માહિતી મુજબ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી આરબ અને યુએઇ જેવા અરબ દેશોમાં ૨૮ હજારથી પણ વધારે ભારતીય નાગરિકોના મોત થયાં છે. માહિતી મુજબ મૃત્યુ પામનાર ૨૮ હજારથી વધારેમાં સૌથી વધારે મજૂરવર્ગનો સમાવેશ થાય છે.
પટિયાલાના સાંસદ ધરમવીર ગાંધીએ લોકસભામાં આ મામલે સવાલ કર્યો હતો જેના ઉત્તરમાં વિદેશ રાજ્ય પ્રધાન વી કે સિંહે આ માહિતી આપી હતી. તેમના મુજબ અરબ દેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસે આ આંકડાઓ એકત્રિત કર્યા હતા. વી કે સિંહ મુજબ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે સઉદી અરબમાં સૌથી વધારે ૧૨,૮૨૮ ભારતીય મજૂરોના મોત થયા હતા. બીજા નંબરે યુએઇ છે જ્યાં ૨૦૧૮ સુધી ૭૮૭૭ ભારતીય મજૂરોના મોત થયા હતા.