નિકસિકઃ સ્પોર્ટ્સ અને સ્પર્ધાનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે પરંતુ મોન્ટેનેગ્રો નામના દેશમાં છેલ્લા 12 વર્ષથી દર વર્ષે સૂતા રહેવાની (Lying down competition) યોજાય છે. સાઉથ ઇસ્ટ યુરોપમાં આવેલો 13,812 સ્કવેર કિમી વિસ્તાર અને 6.20 લાખની વસ્તી ધરાવતો મોન્ટેનેગ્રો આ વિચિત્ર પ્રકારની સ્પર્ધાના કારણે ચર્ચામાં છે. નિકસિક શહેરની નજીક આવેલા એથનિક બ્રેજના ગામમાં યોજાતી આ અનોખી હરીફાઈમાં ઘણાંને ભાગ લેવાનું મન થાય છે, કારણ એટલું જ કે આમાં વ્યક્તિએ માત્ર સૂતા રહેવાનું છે. જોકે પહેલી નજરે સાવ સામાન્ય લાગતી આ સ્પર્ધામાં ભાગ લીધા પછી ટકવું કેટલું મુશ્કેલ હોય છે તેનું સમયના વીતવા સાથે ભાન થાય છે.
આ સ્પર્ધામાં ઘસઘસાટ ઉંઘવું જરૂરી નથી માત્ર જમીન પર સૂઈ રહેવાનું જ હોય છે. શરીરને આડા પડવાની રિલેક્સ મુદ્રામાં પણ રાખી શકાય છે. સુતા સુતા ખાવાની-પીવાની તથા ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરવાની પણ છૂટ છે. દર આઠ કલાકમાં એક વાર કુદરતી હાજતે જવાની છૂટ મળે છે. આ સ્પર્ધા જીતનારને 350 યુરોનો પુરસ્કાર મળે છો તો પછીના ક્રમે આવનારાને કુલ 500 યુરોના ઈનામોની વહેંચણી થાય છે. વૃક્ષની છત્રછાયામાં આડા પડેલા સ્પર્ધકોને વરસાદ જેવી કુદરતી આફતમાં સૂચના મળે ત્યારે જ ઊભા થવાની છૂટ મળે છે. વરસાદ ખૂબ ચાલે તો તેવા સંજોગોમાં ઝૂંપડીઓમાં આ સ્પર્ધા યોજવામાં આવે છે.
સ્પર્ધકો હરીફાઈમાં ટકી રહે તે માટે આયોજકોની ટીમ સતત મનોબળ વધારતી રહે છે. સ્પર્ધામાં ભાગ લેનારાના પરિવારના સભ્યોને પણ મુલાકાત લેવાની છૂટ અપાય છે. જોકે મોટાભાગના સ્પર્ધકો પરિવારના સભ્યોને જોઈને સ્પર્ધામાં ટકી રહેવાનો જુસ્સો મેળવવાના બદલે ઈમોશનલ થઈ જાય છે. તાજેતરમાં યોજાયેલી સુતા રહેવાની આ સ્પર્ધામાં ઝારકોપેજોનોવિક નામના સ્પર્ધકે 60 કલાક સુતાં રહીને સ્પર્ધા જીતી લીધી હતી. સ્પર્ધાના પ્રથમ દિવસે 7 સ્પર્ધકોએ વોકઆઉટ કર્યો હતો. અને છેલ્લે માત્ર 2 સ્પર્ધકો જ રહ્યા હતા.
મોન્ટેનેગ્રો લોકો આળસુ હોય છે એવી મજાક થતી રહી છે. આ મજાક જ સ્પર્ધા યોજવાનું નિમિત્ત બની છે. 2022ની સરખામણીમાં ગત વર્ષે યોજાયેલી સ્પર્ધા વધુ રસપ્રદ રહી હતી. 2021માં ડુબ્રાવકા નામની એક મહિલાએ આ સ્પર્ધા જીતી હતી જેણે 117 કલાક આરામ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સ્પર્ધકો આ વર્ષે રેકોર્ડ તોડવાના ઉત્સાહથી જમીન પર સુતા તો હતા, પરંતુ લાંબુ ટકી શક્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે સ્પર્ધાના નિયમો કડક કરીને છુટછાટ ઘટાડવામાં આવતા 60 કલાક સુઈને ઝારકોપેજોનોવિકએ સ્પર્ધા જીતી હતી. આ પ્રકારની એક સ્પર્ધા સાઉથ કોરિયામાં પણ યોજાઈ ચુકી છે.