ઇસ્લામાબાદઃ પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આવતીકાલે - શુક્રવારે મુક્ત કરી દેવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન ઇમરાન ખાને સંસદના સંયુક્ત સત્રને સંબોધતા આ જાહેરાત કરી હતી.
સંસદને સંબોધતા વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે આપણે ભારતને પત્ર લખીને જણાવ્યું હતું બન્ને દેશના વિદેશ પ્રધાનોએ મળવું જોઇએ પરંતુ આપણને હકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો. અમને લાગે છે કે ભારતમાં ચૂંટણી હોવાથી આનો જવાબ નથી આવ્યો. તેમના ચૂંટણી એજન્ડામાં આપણી સાથેના સંબંધો સારા થવાનો મુદ્દો સામેલ છે જ નહીં.
ઇમરાન ખાને સંસદને સંબોધતા કહ્યું હતું કે,
- અમને ભય હતો જ કે ચૂંટણી હોવાથી કંઇકને કંઇક તો જરૂર થશે, જેનો ભારત ચૂંટણીમાં ઉપયોગ કરશે.
- હું એવું નથી કહેતો કે પુલવામામાં ભારતનો હાથ હતો, પરંતુ હુમલાની અડધી જ કલાકમાં આપણા ઉપર આક્ષેપ થયો.
- આપણને આનાથી શું મળવાનું હતું. આપણે ભારતને તપાસમાં સહયોગ માટે ઓફર કરી.
- હું પાક. મીડિયાને કહેવા માગું છું કે અહીં મીડિયાનો સારો અભિગમ હતો. આપણે ખુદ જોયું છે કે આતંકથી શું થાય છે. આપણે પીડિત છીએ. મને અફસોસ છે કે ભારતના મીડિયાએ બહુ જ બાલીશ વર્તન દાખવ્યું હતું. યુદ્ધથી થનારા નુકસાનને તેઓ નથી જાણતા, આપણા મીડિયાએ આતંકના કારણે ૭૦,૦૦૦ લોકોના મૃત્યુ નિહાળ્યા છે.
- આજે ભારતે ડોઝિયર મોકલ્યું છે, પરંતુ હુમલો બે દિવસ પહેલા કરી નાખ્યો. તેઓ પહેલા ડોઝિયર આપી શકતા હતા. ચૂંટણીને નજરમાં રાખીને ભારત સરકાર આવું કરી રહી છે.
- ભારતે હુમલો કર્યો તો મને સવાર સવારમાં ખબર પડી. અમે સેનાના વડા સાથે વાત કરી. અમને જાણવા મળ્યું કે કોઇને ઇજા થઇ નથી. અમે નક્કી કર્યું કે આપણે કંઇ નહીં કરીએ. જો કોઇને ઇજા ન થઇ હોય અને આપણે કોઇને ઇજા પહોંચાડીએ તો તે ખોટું કહેવાય. આપણે એક જવાબદાર દેશની જેમ એ દેખાડ્યું કે હુમલા સમયે ચૂપ નહીં બેસી રહીએ.