વોશિંગ્ટનઃ વિજ્ઞાન જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તેનાથી મનાય છે કે ભવિષ્યમાં સંશોધકો એવી પદ્ધતિ વિકસાવી લેશે કે મૃતકને ફરી જીવિત કરી શકાશે. અમેરિકાના અબજપતિઓ પણ આ સપનું જરૂર સાચું પડશે તેવી આશાએ પોતાના મૃતદેહને ક્રાયોપ્રિઝર્વેશન ટેક્નિકની મદદથી સાચવવા માટે આગોતરી ગોઠવણ કરવા લાગ્યા છે.
ક્રાયોપ્રિઝર્વેશન એવી પદ્ધતિ છે જેમાં મૃતદેહોને ખૂબ નીચા તાપમાને લાંબો સમય સુધી જાળવી રખાય છે. એક રિપોર્ટ પ્રમાણે, આશરે 500 લોકોએ આ પદ્ધતિના માધ્યમથી પોતાના શરીર સુરક્ષિત રખાવ્યા છે, જેમાંથી મોટા ભાગના અમેરિકાના છે. આ માટે કરોડો રૂપિયાનો ચાર્જ વસૂલાતો હોવા છતાં ધનપતિઓએ લાઇન લગાવી છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે 5500 લોકો તેમના બોડી પ્રિઝર્વ કરવાનું વિચારી રહ્યા છે. થોડા સમય પૂર્વે જ પે-પાલના કો-ફાઉન્ડર પીટર થીલે પણ તેમની બોડી ક્રાયોપ્રિઝર્વ કરવાનો નિર્ણય લીધો છે.
માઇનસ 196 ડિગ્રીમાં મૃતદેહની સાચવણી
ક્રાયોપ્રિઝર્વેશનમાં બોડીને એ સ્થિતિએ લઇ જવાય છે જેમાં મૃતદેહમાં સડો થવા સહિતની જૈવિક ગતિવિધિ રોકાઈ જાય છે. પછી બોડીને વિટ્રિફિકેશન પ્રોસેસ કરાય છે, જેમાં મૃતકના લોહીને વિશેષ સોલ્યુશનથી બદલાય છે. જેથી નીચા તાપમાને લોહીમાં બરફના ક્રિસ્ટલ ના બની જાય. જો બરફના ક્રિસ્ટલ બની જાય તો બોડીની કોશિકા અને ટિશ્યુને નુક્સાન થઇ શકે છે. વિટ્રિફિકેશન પછી બોડીને ફરી માઇનસ 196 ડિગ્રી તાપમાનમાં લઇ જવાય છે. પછી બોડીને લિક્વિડ નાઈટ્રોજન ભરેલા વેક્યૂમ ઇન્સ્યુલેટેડ કન્ટેનરમાં રાખીને ભવિષ્ય માટે સ્ટોર કરાશે.
મૃતદેહના જતન માટે ટ્રસ્ટનું નિર્માણ
અમેરિકાનું એલ્કોર લાઇફ એક્સટેન્શન સમગ્ર બોડી પ્રિઝર્વ કરવા માટે આશરે રૂ. 1.67 કરોડનો ચાર્જ વસૂલે છે. માત્ર મગજને પ્રિઝર્વ કરવા માટે રૂ. 3.66 લાખ આપવા પડે છે. સાથે જ આ ફાઉન્ડેશને એક રિવાઇવલ ટ્રસ્ટ પણ બનાવી રાખ્યું છે. આ ટ્રસ્ટ ફરી નવજીવન મેળવવાની પ્રાર્થના કરનાર લોકો માટે નાણાંની વ્યવસ્થા કરે છે. આ નાણાંથી પ્રિઝર્વ બોડીની દેખરેખ રખાય છે. મૃતદેહમાં ફરી પ્રાણનો સંચાર (!) થશે ત્યારે તેને પણ આમાંથી થોડીક રકમ આપવામાં આવશે.