નવી દિલ્હી: ઇઝરાયલ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને બહેતર બનાવવા ઇઝરાયલના પ્રમુખ રયૂવેન રિવલિન સોમવારે રાત્રે મુંબઇ આવી પહોંચ્યા હતા. મંગળવારે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બન્ને દેશના પ્રતિનિધિમંડળો વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા યોજાઇ હતી. આ બેઠકમાં બન્ને દેશોએ સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધુ ગાઢ બનાવવા તેમજ ત્રાસવાદ સામેની લડાઇને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતના છ દિવસના પ્રવાસે રવાના થતાં પહેલાં પ્રમુખ રિવલિને એવી લાગણી વ્યક્ત કરી હતી કે ભારત ઇઝરાયલનો નજીકનો મિત્ર છે અને બંને દેશ એકબીજાના પ્રેરણાસ્રોત છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે અનેક સમાનતા છે.
ઇઝરાયલના બિઝનેસમેન અને શિક્ષણવિદોનાં પ્રતિનિધિમંડળ સાથે છ દિવસના ભારત પ્રવાસે આવેલા રિવલિન ચંડીગઢમાં એગ્રોટેક સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે હાજરી આપવાના છે. તેમજ દ્વિપક્ષીય સહયોગથી ચાલી રહેલા પ્રોજેક્ટસ્થળોની મુલાકાત લેશે.