જેરુસલેમ: ઇઝરાયલના તબીબોએ ચમત્કારિક કહી શકાય તેવી અત્યંત જટિલ અને રેર કહી શકાય તેવી સર્જરી કરીને 12 વર્ષના એક બાળકનું માથું ગરદન સાથે ફરી જોડ્યું છે. જેરુસલેમની એક હોસ્પિટલમાં સર્જરી થઇ હતી. સુલેમાન હસન નામનો આ પેલેસ્ટિની બાળક વેસ્ટ બેન્કનો રહેવાસી છે અને એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે સુલેમાન ‘ઇન્ટરનલ ડિસેપિટેશન’નો શિકાર બન્યો હતો.
સુલેમાન સાઇકલ ચલાવી રહ્યો હતો અને તેને કારની ટક્કર વાગી હતી. તેને તાકીદે હદસ્સાહ મેડિકલ સેન્ટરમાં ખસેડાયો હતો અને તત્કાળ ટ્રોમા યુનિટમાં સર્જરી માટે લઇ જવાયો હતો. ડોક્ટર્સના કહેવા પ્રમાણે તેનું માથું તેની ગરદનના છૂટું પડી ગયું હતું. તેની હાલત બહુ જ ગંભીર હતી. તેને બચાવી લેવાના નિર્ધાર સાથે નિષ્ણાત તબીબોએ સર્જરી શરૂ કરી હતી, જે કલાકો સુધી ચાલી હતી. સર્જરી દરમિયાન નવી પ્લેટ્સ અને ફિક્સેશન્સની મદદથી માથું ફરી ગરદન સાથે ફરી જોડવામાં આવ્યું હતું.
ડોક્ટર્સે ઉમેર્યું હતું કે સુલેમાનના બચવાના ચાન્સ પચાસ ટકા માંડ હતા. આ સંજોગોમાં તેની રિકવરી કોઇ ચમત્કારથી કમ નથી. આમ તો આ સર્જરી ગયા મહિને થઇ હતી પરંતુ તાજેતરમાં સુલેમાનને સર્વાઇકલ પ્લિન્ટ સાથે હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ડોક્ટર્સે સર્જરીની વિગતો જાહેર કરી છે.
ડોક્ટર્સ હજુ કેટલાક મહિના સુધી તેની હેલ્થ પર સતત નજર રાખશે. હોસ્પિટલના એક ક્લિનિકલ પ્રોફેસરે મેડિકલ પ્રોસીજર અંગે જણાવ્યું કે સુલેમાનની મોટાભાગની રક્તવાહિનીઓ સાબૂત હોવાથી સર્જરી શક્ય બની છે. સુલેમાનની સર્જરી કરનારા સર્જન્સ પૈકીના ડો. ઓહાદ ઇનાવે કહ્યું કે, અમે આ બાળકની જિંદગી માટે લડત આપી હતી. અમારા જ્ઞાન અને ઓપરેટિંગ રૂમમાં ઉપલબ્ધ મોસ્ટ ઇનોવેટિવ ટેક્નોલોજીના કારણે અમે તેની જિંદગી બચાવી શક્યા છીએ.