ઇઝરાયલમાં ધાર્મિક ઉજવણીમાં ભાગદોડને પગલે ૪૪ શ્રદ્ધાળુનાં મોત

Wednesday 05th May 2021 01:47 EDT
 
 

યરુશલેમઃ ઇઝરાયેલમાં શાંતિના સમયની સૌથી મોટી કરુણાંતિકા પૈકીની એકમાં સર્જાયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૪૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૫૦ને ઇજા પહોંચી હતી. ઉત્તર ઇઝરાયેલમાં આવેલા માઉન્ટ મેરોન ખાતે લાગ બી’ઓમેર નામના ધાર્મિક પ્રસંગની ઉજવણી માટે ગુરુવારે હજારોની સંખ્યામાં યહૂદી શ્રદ્ધાળુઓ કોરોના નિયંત્રણોની પરવા કર્યા વિના ઉમટી પડયાં હતાં.

ઇઝરાયેલમાં વ્યાપક કોરોના રસીકરણ બાદ માસ્ક પહેરવા સહિતના અન્ય નિયંત્રણો હળવા કરી દેવાયાં છે. કોરોના નિયંત્રણો હળવા બનતાં લાગ બી’ઓમેરની ઉજવણી માટે હજારોની સંખ્યામાં યહૂદી શ્રદ્ધાળુઓ ૨૯ એપ્રિલે રાબ્બી શિમોન બાર યોચાઇની કબર ખાતે એકઠાં થયાં હતાં. ઇઝરાયેલની પોલીસે જણાવ્યું હતું કે, કેટલાંક શ્રદ્ધાળુઓ કબર તરફ જતી સીડીના પગથિયા પર લપસી પડતાં જાણે કે માનવીઓનો હિમપ્રપાત સર્જાયો હતો અને સંખ્યાબંધ લોકો તેમાં કચડાયાં હતા.
રાહત અને બચાવ કામગીરીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ૪૪ લોકોનાં મોત થયાં છે અને ૧૫૦થી વધુને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં ઘણાની સ્થિતિ ગંભીર હોવાથી મોતનો આંકડો ઊંચો જઇ શકે છે. અમારા ડોક્ટરોએ સેંકડો ઇજાગ્રસ્તોને સારવાર આપી છે. ગંભીર ઇજાગ્રસ્તોને સાફેદમાં આવેલી ઝિવ હોસ્પિટલ, નહારિયામાં ગાલિલી મેડિકલ સેન્ટર, હૈફામાં રામબામ હોસ્પિટલ, તિબેરિયસમાં પોરિયા હોસ્પિટલ અને યરૂશાલેમમાં હાદસ્સાહ ઇન કેરેમ હોસ્પિટલમાં ખસેડાયાં છે. રાહત અને બચાવ કાર્યમાં ફાયર બ્રિગેડ સાથે ઇઝરાયેલી એરફોર્સના હેલિકોપ્ટરો પણ જોડાયાં હતાં.

રૂઢિચુસ્ત યહૂદીઓ ઉજવણી પર પ્રતિબંધ ઇચ્છતા નહોતા
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ હોનારતને ભયાનક ગણાવતાં રાહત અને બચાવ કર્મીઓને ઝડપી કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રેઉવેન રિવલિને પણ મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. આ ઉજવણીને મંજૂરી આપવી કે નહીં તે માટે નેતાન્યાહૂ સરકાર અવઢવમાં હતી. રૂઢિચુસ્ત યહૂદીઓની રાજકીય પાર્ટીઓ ઉજવણી પર પ્રતિબંધોના સખ્ત વિરોધમાં હતી. નેતાન્યાહૂની સરકાર આ પાર્ટીઓના સમર્થન પર ટકેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter