તહેરાનઃ કિંમતી સામાનની ચોરીની વાત તો સહેજે માની શકાય તેવી છે પરંતુ બરફ અને વાદળોની ચોરી?! વાત ગળે ઊતરતી નથી, પણ ઇઝરાયલ પર આરોપ તો આવો જ મૂકાયો છે. ઈરાનના બ્રિગેડિયર જનરલે ઈઝરાયલ પર પોતાના દેશના વાદળ અને બરફ ચોરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ ઈરાનની મોસમ સાથે છેડછાડ કરી રહ્યું છે, જેના કારણે વરસાદ નથી આવતો.
ઈરાનના બ્રિગેડિયર જનરલ અને સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ગુલામ રજા જલાલીએ કહ્યું કે ઈરાનમાં થઈ રહેલા જળ-વાયુ પરિવર્તનને ધ્યાનમાં લેતા ઇઝરાયલ સંદેહના ઘેરામાં છે. ઈરાનમાં વરસાદ ન થાય તેવો ઇઝરાયલનો પ્રયાસ છે. જોકે ઈરાનના મોસમ વિભાગના પ્રમુખ અહદ વજીફ આ આરોપ સાથે સંમત નથી. તેઓ કહે છે કે આ રીતના આક્ષેપોથી કંઈ વળવાનું નથી. આપણે આપણા સંકટનો સાચો માર્ગ શોધવો પડશે. જલાલીએ કહ્યું કે અફઘાનિસ્તાન અને ભૂમધ્ય સાગરની વચ્ચેનો ૨૦૦ મીટરનો પહાડી હિસ્સો બરફથી છવાયેલો રહેતો હોય છે પરંતુ ઈરાનમાં આવું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ઈરાન બીજા દેશ પર વરસાદ ચોરીનો આક્ષેપ કરી ચૂક્યું છે. ૨૦૧૧માં પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે કહ્યું હતું કે પશ્ચિમી દેશોને કારણે ઈરાનમાં દુકાળ પડી રહ્યો છે. યુરોપીય દેશો અમારા વાદળને કેદ કરે છે.