નવી દિલ્હીઃ ભારતમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IL&FS) કંપનીના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકાના દેશ ઇથિયોપિયામાં તેમના જ સ્થાનિક સાથીદારોએ બંધક બનાવાતા સનસનાટી મચી ગઇ છે. આ સાતેય બંધકોને છોડાવવા ભારતીય વિદેશ મંત્રાલયની મદદ માગવામાં આવી છે. આ સાતેય ભારતીય કર્મચારીને ૨૫ નવેમ્બરથી ત્રણ જુદાં જુદાં સ્થળે બંધક બનાવાયા છે. પગાર નહીં ચૂકવવામાં આવતાં રોષે ભરાયેલા સ્થાનિક સ્ટાફ દ્વારા ઉગ્ર પગલું ભરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓથી માંડીને પોલીસ તંત્ર પણ સ્થાનિક સ્ટાફની તરફેણ કરતી હોવાનું જાણવા મળ્યું છે.
IL&FS ૧૨.૬ બિલિયન ડોલર એટલે કે રૂ. ૯૧,૫૦૦ કરોડની લોન ચૂકવવા ડિફોલ્ટ થતાં સ્થાનિક સ્ટાફને પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. આ પછી ભારતીયોને બંધક બનાવાયા છે. આ કર્મચારીઓએ મોકલેલા ઈ-મેલ અનુસાર તેમને ઓરોમિયા અને અહમરા સ્ટેટમાં બંધક બનાવાયા છે. બંધક બનાવવામાં આવેલા કર્મચારીઓનું કહેવું છે કે ભારતીય અને સ્પેનિશ કંપનીનાં જોઇન્ટ વેન્ચર દ્વારા સાકાર થઇ રહેલા માર્ગ નિર્માણ પ્રોજેક્ટનું કામ અટકાવવામાં આવતાં સ્થાનિક કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે. તેમણે ભારત સરકારથી માંડીને ઇથિયોપિયાના પ્રધાનો અને વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓને બાકી પગાર સંદર્ભે પત્રો લખ્યા છે.