નૈરોબીઃ ઇથોપિયાના પશ્ચિમ બેનિશાગુલ ગુમુઝ ક્ષેત્રમાં થયેલા નરસંહાર વિષે જાણકારી આપતાં ઇથોપિયાના માનવ અધિકાર પંચે ૨૪મીએ કહ્યું હતું કે, સામૂહિક વંશીય હિંસામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૪મીએ વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામે હુમલો કરીને અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. કેટલાય લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ગામમાં અલગ અલગ જાતિના સમુદાયો વસે છે. હુમલો થયો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. દેશના વડા પ્રધાન આબી અહમદે એક દિવસ પહેલાં જ વિસ્તારની મુલાકાત લઈને ભૂતકાળમાં થયેલા હુમલા બદલ દોષિતોને સજા આપવાની જાહેરાત કર્યા પછી બંદૂકધારીઓએ સવારે હુમલો કર્યો હતો.