ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૪૫ મિનિટ બેકાબૂ બન્યું!

Thursday 05th August 2021 04:28 EDT
 
 

નવી દિલ્હી: અંતરિક્ષમાં માનવીના મુકામ માટેનું એકમાત્ર સરનામું ગણાતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નો મોટી દુર્ઘટનામાંથી આબાદ બચાવ થયો છે. અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૃથ્વી પરથી અંતરીક્ષમાં પહોંચેલું નવું રશિયન મોડયુલ ઓર્બિટિંગ આઉટપોસ્ટ પર ડોક થયા બાદ તેના જેટ થ્રસ્ટર્સમાં મિસફાયર થતાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન થોડા સમય સુધી નિયંત્રણ બહાર ચાલ્યું ગયું હતું. ‘નાસા’ અને રશિયાની સ્પેસ એજન્સી આરઆઇએના જણાવ્યા અનુસાર આ સમયે બે રશિયન, ત્રણ ‘નાસા’ના, એક જાપાનીઝ અને એક યુરોપિયન સ્પેસ એજન્સીના એમ કુલ સાત અંતરિક્ષયાત્રી સ્પેસ સ્ટેશન ખાતે હાજર હતા.
‘નાસા’એ જણાવ્યું હતું કે, રશિયન નૌકા મોડયુલ સ્પેસ સ્ટેશન ખાતે જોડાયાના ત્રણ કલાક બાદ મોસ્કોસ્થિત મિશન કન્ટ્રોલર ડોકિંગ પછીની કેટલીક પ્રક્રિયાઓ કરી રહ્યાં હતાં ત્યારે સમસ્યાનો પ્રારંભ થયો હતો. મોડયુલના જેટ થ્રસ્ટર્સમાં અચાનક જ મિસફાયર થતાં પૃથ્વીથી ૨૫૦ માઇલ ઊંચે પરિભ્રમણ કરી રહેલું સ્પેસ સ્ટેશન તેની નોર્મલ ફ્લાઇટ પોઝિશનમાંથી ભટકી ગયું હતું.
આ ઘટનાની ૧૫ મિનિટ બાદ પૃથ્વી પરના કન્ટ્રોલ રૂમના ઓટોમેટિક ગ્રાઉન્ડ સેન્સર્સે માહિતી આપી હતી કે સ્પેસ સ્ટેશન તેના નિર્ધારિત પથ પરથી ભટકી ગયું છે. આ સ્થિતિ ૪૫ મિનિટ સુધી જારી રહી હતી. પૃથ્વી પરની ફ્લાઇટ ટીમોએ ઓર્બિટિંગ પ્લેટફોર્મ પર આવેલા અન્ય મોડયુલના જેટ થ્રસ્ટર્સ એક્ટિવેટ કરીને સ્પેસ સ્ટેશનને ફરી નિર્ધારિત પરિભ્રમણ પથ પર લાવવામાં સફળતા હાંસલ કરી હતી.
બચાવ માટે ક્રૂ કેપ્સ્યુલનો વિકલ્પ
‘નાસા’એ જણાવ્યું હતું કે, જો સ્થિતિ વણસી ગઇ હોત તો સ્પેસ સ્ટેશનમાં રહેતા અંતરિક્ષયાત્રીઓ પાસે બચાવ માટે સ્પેસએક્સ ક્રૂ કેપ્સ્યુલનો વિકલ્પ હતો. આ કેપ્સ્યુલ ઇમર્જન્સી માટે સ્પેસ સ્ટેશનની આઉટ પોસ્ટ ખાતે લાંગરેલી છે અને તે લાઇફબોટ તરીકે પૃથ્વી પર પરત આવવા કામ લાગી શકે છે.
સ્ટારલાઇનર કેપ્સ્યુલનું લોન્ચિંગ રદ
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સર્જાયેલા અકસ્માતના કારણે ‘નાસા’ને તેની નવી સીએસટી-૧૦૦ સ્ટારલાઇનર કેપ્સ્યુલનું લોન્ચિંગ રદ કરવાની ફરજ પડી છે. ‘નાસા’એ તેના સ્પેસ યાન નિવૃત્ત કરી દીધાં પછી પહેલીવાર સ્પેસ સ્ટેશન ખાતે અનમેન્ડ ટેસ્ટ ફ્લાઇટ હાથ ધરવા આયોજન કરાયું હતું. સ્ટારલાઇનર કેપ્સ્યુલને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી એટલસ ફાઇવ રોકેટ દ્વારા અંતરીક્ષમાં મોકલવાની યોજના ‘નાસા’એ ઘડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter