નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં કાર્યરત આશરે ૧૪૦ જેટલી ભારતીય કંપનીઓએ ૪ અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ૧૮૦૦૦થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. સીઆઈઆઈ-પીડબલ્યુસીના અહેવાલમાં ભારતીય કંપનીઓ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સીએસઆર તથા સ્કીલ ડેવલપમેન્ટ સહિતના સીધાં વિદેશી રોકાણ સિવાયના રોકાણનો પણ ઉલ્લેખ કરાયો છે. અહેવાલમાં બંને દેશો વચ્ચે વેપાર વૃદ્ધિની અપાર શક્યતાઓ હોવાનું જણાવાયું છે.
ભારતમાંથી દક્ષિણ આફ્રિકામાં કરાતી નિકાસમાં વાહનોના પાર્ટ્સ, ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટ્સ, દવાઓ તથા ફાર્મા ઉત્પાદનો, એન્જિનિયરિંગ ગુડ્સ, ફૂટવેર, કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ તથા ચોખાનો સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચેનો વેપાર ૨૦૦૩-૦૪ના ૨.૫ અબજ ડોલરથી વધીને ૨૦૧૪-૧૫માં ૧૧.૭૯ અબજ ડોલર નોંધાયો હતો.
જોકે ૨૦૧૫-૧૬માં બંને દેશો વચ્ચેનો વેપાર આંશિક ઘટીને ૯.૫ અબજ ડોલર રહેવા પામ્યો હતો. વિપ્રો, કોલ ઈન્ડિયા, સિપ્લા, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી ભારતની ટોચની કંપનીઓએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં રોકાણ કર્યું છે.