વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દે નોંધનીય યુ-ટર્ન લીધો છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ટ્રમ્પે વચન આપ્યું છે કે ચૂંટણી જીતશે તો તેઓ અમેરિકામાં ગ્રેજ્યુએશન કરનારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગ્રીનકાર્ડ આપશે. ટ્રમ્પે 19 જૂને રાત્રે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે ટેલેન્ટેડ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ગ્રેજ્યુએશન પછી પોતાના દેશમાં પરત ફરીને મોટી કંપનીઓ શરૂ કરે છે અને કેટલાય લોકોને નોકરીઓ આપીને બિલિયોનેર બની જાય છે. એમઆઇટી અને હાર્વર્ડ જેવી સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન કરનારા ભારતીય વિદ્યાર્થીઓની પ્રતિભાઓનો લાભ અમેરિકાને મળવો જોઈએ. નોંધનીય છે કે ટ્રમ્પ અત્યાર સુધી ઇમિગ્રેશન પર નિયંત્રણના સમર્થક રહ્યા છે.
બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીના મતે પ્રમુખપદના ઉમેદવાર જો બાઇડેનનું આરોગ્ય ચિંતાનો વિષય છે. પાર્ટીના મતે બાઇડેનના કથળી રહેલા આરોગ્યને મુદ્દો બનાવીને ટ્રમ્પ મેદાન મારી શકે છે.
8 રાજ્યોમાં ભારતીયો હુકમનો એક્કો
અમેરિકામાં 50 લાખ ભારતીયમાંથી લગભગ 12 લાખ ગ્રીનકાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે. મોટા ભાગની અરજી 5 વર્ષ કરતાં વધુ સમય સુધી અટકેલી છે. અમેરિકાનાં 8રાજ્યમાં હાર-જીતનો નિર્ણય ભારતીયોના મત પર નિર્ભર છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ બાઈડેને ગ્રીનકાર્ડ અંગે હજી સુધી કોઈ જાહેરાત કરી નથી.
અમેરિકામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી
અમેરિકામાં અત્યારે 3.40 લાખ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ અમેરિકામાં કોઈ પણ દેશના વિદ્યાર્થીઓ કરતાં વધુ છે. ઓપન ડોર્સના અહેવાલ પ્રમાણે 2030માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખ હોવાનું અનુમાન છે. ગ્રીનકાર્ડ અમેરિકામાં સ્થાયી રહેવાનો સત્તાવાર દરજ્જો છે.