બગદાદઃ ઇરાકી દળોની સ્વાત ટીમે મોસૂલમાંથી આઇએસ સંગઠનના એક મૌલવીની ૧૯મીએ ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર તે મૌલવી જબ્બા દ જિહાદી તરીકે ઓળખાતો હતો. ઇરાકની સ્વાત ટીમે મોસૂલમાં ત્રાસવાદી સંગઠન આઇએસની છાવણી પર દરોડો પાડયો હતો અને આતંકવાદી શિફા અલ નિમાની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે ૨૫૦ કિલો વજન ધરાવતા આ આતંકવાદીની ધરપકડ તો કરી લીધી પણ તેને પોલીસ મથક લઇ જવામાં પણ પોલીસદળને જહેમત કરવી પડી. તેને લઇ જવા પોલીસને પિક અપ ટ્રક બોલાવવી પડી હતી. આ આતંકવાદીનું વજન એટલું છે કે પોલીસને જોયા પછી પણ તે પથારીમાંથી હલી નહોતો શક્યો. પોલીસ વાનમાં આતંકવાદી સમાઇ શકે તેમ ના હોવાથી પોલીસને આખરે પિક અપ ટ્રક બોલાવવો પડયો હતો. પોલીસ ત્રાસવાદીને લઇ જઇ રહી હતી તે ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
જબ્બા દ જિહાદી મેદસ્વિતાથી પીડાઇ રહ્યો છે. જબ્બા દ જિહાદીની ગણતરી આઇએસના ટોચના નેતાઓમાં થાય છે અને સુરક્ષાદળો વિરુદ્ધ ભડકીલા ભાષણો આપવાથી તે ચર્ચામાં રહ્યો છે.
શિફા અલ નિમા વિષે તપાસ કરી ચૂકેલા બ્રિટિશ એક્ટિવિસ્ટ માજિદ નવાજે જણાવ્યા મુજબ શિફા પોતાના ભડકાઉ ભાષણોની મદદથી ત્રાસવાદીઓને માનસિક રીતે તૈયાર કરતો હતો. તે આઇએસ તરફથી ફતવા પણ જારી કરતો હતો. તે ફતવા પછી આતંકવાદીઓ ખુલ્લેઆમ કતલેઆમ કરતા હતા. શિફા ઝડપાઇ જતાં ત્રાસવાદી સંગઠનને ભારે ફડકો પડયો છે. તેની હાજરી વચ્ચે એવી દહેશત સેવાઇ રહી હતી કે બગદાદીના મૃત્યુ પછી પણ ત્રાસવાદી સંગઠન ફરી બેઠું થઇ શકે છે.