વોશિંગ્ટન: પરમાણુ કરારથી પીછેહઠ કર્યા બાદ અમેરિકાએ ઈરાન પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે. અમેરિકાએ પશ્ચિમ એશિયાઇ અને ઇસ્લામિક દેશોને પણ ઈરાન સાથે વેપાર ન કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પ સરકારે કહ્યું છે કે તેને વિશ્વાસ છે કે આ પ્રતિબંધોથી ઈરાન સરકારના વર્તનમાં પરિવર્તન આવશે. આ પ્રતિબંધોથી ભારત-ચીન સહિત આઠ દેશોને દુર્લભ છૂટ મળી છે. આ દેશોએ અમેરિકાને વિશ્વાલ અપાવ્યો છે કે છ મહિનામાં તે તહેરાન પાસેથી ઓઈલની આયાત સંપૂર્ણપણે બંધ કરી દેશે. પ્રતિબંધ ઇરાનના બેન્કિંગ અને ઊર્જા ક્ષેત્રમાં લાગુ થયા છે અને ત્યાંથી ઓઈલની આયાત ચાલુ રાખવા બદલ યુરોપ, એશિયાના દેશો અને કંપનીઓ પર દંડની જોગવાઈ છે. દરમિયાન પ્રતંબિધોની અસર ઈરાન પર દેખાવા લાગી છે. ત્યાં જરૂરી ચીજવસ્તુઓ ખૂટી પડી છે. દવાઓનો સ્ટોક સમાપ્ત થઈ શકે છે.