તહેરાન: કુદરતની ગત ન્યારી છે. આથી જ તો તેની લીલાને ક્યારેય કોઇ સમજી શક્યું નથી. ક્યારેક સ્વર્ગનો આનંદ આપતી નિરવ શાંતિ તો ક્યારેક તે નર્કાગારનો અનુભવ કરાવતું ભયાનક રૂપ દેખાડે છે. ઈરાનમાં બનેલી આવી જ એક વિચિત્ર ઘટનામાં વરસાદ પછી ફેલાયેલા લાલ પાણીએ દુનિયાને દંગ કરી દીધી છે.
ઈરાનના દરિયાકિનારે બનેલી આ રહસ્યમયી ઘટનાના દૃશ્યોએ સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. કેટલાક લોકો તેને વિનાશનો આગોતરો સંકેત ગણાવી રહ્યા છે તો કેટલાક તેને સ્વપ્ન તરીકે જોઈ રહ્યા છે. આવા દૃશ્યો દુનિયામાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈરાનના એક બીચ પર રેતી અને પાણી એકબીજા સાથે ભળી ગયા પછી તેજસ્વી લાલ થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં લોહી જેવા લાલ રંગનું પાણી વહી રહ્યું છે અને લોકો સોશિયલ મીડિયા પર તેને લોહીનો વરસાદ ગણાવી રહ્યા છે.
એક દુર્લભ ઘટના
આમ જૂઓ તો ‘લોહીનો વરસાદ’ તરીકે ઓળખાતી આ એક દુર્લભ ઘટના છે જેમાં વરસાદના ટીપાં ગુલાબી, લાલ કે ભૂરા રંગના થઈ જાય છે. હવામાં રહેલા લાલ રંગના સૂક્ષ્મ કણોને કારણે આવું થાય છે, જે ટીપાં સાથે ભળી જાય છે અને એવું લાગે છે કે જાણે આકાશમાંથી લોહીનો વરસાદ થઈ રહ્યો હોય.
અનેક સંભવિત કારણો
નિષ્ણાતોના મતે, આ ઘટના પાછળ અનેક સંભવિત કારણો હોઈ શકે છે. આમ થવાનું એક કારણ એવું મનાય છે કે લાલ શેવાળ દરિયાના પાણીમાં ભળી જાય છે અને તેને લાલ કરી દે છે. જ્યારે બીજું કારણ એવું અપાય છે કે ક્યારેક રેતીના તોફાનોને કારણે લાલ માટી પાણીમાં ભળી જાય છે અને તેને લાલ કરી દે છે. જોકે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને અદભૂત ગણાવ્યું. કેટલાક લોકોએ તેને દુર્લભ કુદરતી સૌંદર્ય ગણાવ્યું તો કેટલાક તેને વિનાશની નિશાની ગણાવી હતી. તમે પણ આ દુર્લભ ઘટનાનો નજારો ઘરેબેઠાં માણી શકો છો. આ માટે યુટ્યુબમાં સર્ચ કરો આ વેબલિન્કઃ bit.ly/3FA8Zpf