નવી દિલ્હીઃ ઇરાને જુલાઈના પ્રારંભે અટકાયતમાં લીધેલા એમટી રિયાહ જહાજ પરના કુલ ૧૨ પૈકીના ૯ ભારતીય નાગરિકોને મુક્ત કર્યા છે. હજુ ૨૧ ભારતીયો ઇરાનની કેદમાં છે. જેમાં એમટી રિયાહના ૩ ભારતીય નાવિકો અને બ્રિટિશ જહાજ સ્ટેના ઇમ્પેરોના ૧૮ ભારતીય નાવિકો છે. બ્રિટિશ જહાજને ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ નિયમોના ઉલ્લંઘનના આરોપસર હોર્મુઝની ખાડીમાંથી અટકાયતમાં લીધું હતું. ઇરાનના ભારતીય દૂતાવાસના અધિકારીઓને અટકાયતમાં રખાયેલા સ્ટેના ઇમ્પેરાના ૧૮ ભારતીય નાવિકોનો સંપર્ક કરવાની પરવાનગી અપાઈ હતી.