વોશિંગ્ટનઃ અમેરિકાના ઉદ્યોગપતિ ઇલોન મસ્ક પાસે એટલી સંપત્તિ થઇ ગઇ છે જેટલી માનવ ઇતિહાસમાં આજ દિન સુધી કોઇની પાસે નહોતી. ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં આવેલા ઉછાળાના કારણે પહેલી વખત કંપનીની કિંમત ૧૦ ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ ૭૫૦ ટ્રિલિયન રૂપિયા થઇ ગઇ. ટ્રિલિયન માટે ગુજરાતીમાં પરાર્ધ શબ્દ છે જેનો અર્થ થાય એકની પાછળ ૧૨ મીંડા.
આ સાથે ટેસ્લાનું માર્કેટ કેપ પણ એક લાખ ડોલરને પાર પહોંચી ગયું છે. એલન મસ્કની સંપત્તિ મિસ્ર, પોર્ટુગલ, ચેક ગણરાજ્ય, ગ્રીસ, કતાર અને ફિનલેન્ડ જેવા દેશોના વાર્ષિક જીડીપી કરતાં વધારે છે. એટલું જ નહીં તેમની સંપત્તિ પે-પાલ અને સ્ટ્રીંમિંગ દિગ્ગજ નેટફ્લિક્સની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે. એલન મસ્કની સંપત્તિ દુનિયાની બીજી સૌથી ધનાઢય વ્યક્તિ એમેઝોન કંપનીના જેફ બેજોસ કરતાં ૧૦૦ બિલિયન ડોલર વધારે છે.
એક જ દિવસમાં તોતિંગ વધારો
હકીકતમાં કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝે ટેસ્લા પાસેથી એક લાખ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવાની જાહેરાત કરતા ટેસ્લાના શેરોમાં ઉછાળો આવ્યો. આ ડીલ થતાંની સાથે જ ટેસ્લાની માર્કેટ વેલ્યુ એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઇ. એ સાથે જ ઇલોન મસ્કની સંપત્તિમાં ૩૬.૨ બિલિયન ડોલરનો વધારો થઇ ગયો.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૧.૪ ટકાનો વધારો નોંધાયો. ફોર્બ્સનું કહેવું છે કે ઇલોન મસ્ક એટલા ધનવાન છે કે તેની અત્યાર સુધીની યાદીમાં કોઇ વ્યક્તિ પાસે આટલી સંપત્તિ નોંધાઇ નથી. દુનિયાના સૌથી શ્રીમંત લોકોમાં છઠ્ઠા ક્રમે રહેલા ગૂગલના લેરી પેજ અને સાતમા ક્રમે રહેલા ફેસબુકના માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ કરતા પણ ઇલોન મસ્કની સંપત્તિ વધી જાય છે.
મસ્કને નાનપણથી કમ્પ્યુટરમાં રસ
૧૯૭૧માં દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઇલોન મસ્ક દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા એમ ત્રણ દેશની નાગરિકતા ધરાવે છે. તેમના માતા મોડેલ હતાં અને પિતા એન્જિનિયર હતાં. જોકે ઇલોન મસ્કને તેમના પિતા પ્રત્યે ખાસ લગાવ નહોતો.
ત્રણ સંતાનોમાં સૌથી મોટા એવા ઇલોનને નાનપણથી પુસ્તકો અને કમ્પ્યુટરનો શોખ હતો. અભ્યાસમાં કાયમ રચ્યાપચ્યા રહેલા ઇલોનને નાનપણથી ખાસ મિત્રો રહ્યાં નથી. શાળામાં પણ ચૂપચાપ રહેવાના કારણે બીજા વિદ્યાર્થીઓ તેમને પરેશાન પણ કરતાં હતાં. જોકે કિશારાવસ્થામાં તેમના વ્યક્તિત્ત્વમાં બદલાવ આવ્યો. ૧૯૯૫માં પીએચડી કરવા માટે તેઓ અમેરિકાની સિલિકોન વેલી પહોંચ્યાં. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એપ્લાઇડ ફિઝિક્સમાં એડમિશન લીધું પરંતુ માત્ર બે જ દિવસ બાદ કોર્સ છોડી દીધો. એ વખતે નાના ભાઇ કિમ્બલ મસ્કે કવીન્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કિમ્બલ ઇલોનથી ૧૫ મહિના નાના છે. ગ્રેજ્યુએશન બાદ કિમ્બલ એલન પાસે કેલિફોર્નિયા આવી ગયાં. આ સમય દરમિયાન ઇન્ટરનેટનો જમાનો નવો નવો શરૂ થયો હતો.
બંને ભાઇઓએ મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું અને એનું નામ રાખ્યું ઝિપ૨. આ એક ઓનલાઇન બિઝનેસ ડિરેક્ટરી હતી. ધીમે ધીમે તેમને રોકાણકારો મળતા ગયાં અને કંપની આગળ વધવા લાગી. ૧૯૯૯માં તેમણે ૩૦ લાખ ડોલરમાં આ કંપની કમ્પ્યુટર કંપની કોમ્પેકને વેચી દીધી.
ત્યારબાદ ઇલોને એકલા હાથે એક્સ.કોમ નામની ઓનલાઇન ફાઇનાન્સ કંપની ખોલી. આ કંપનીની ઓફિસ જે બિલ્ડીંગમાં હતી ત્યાં તેની જ એક પ્રતિસ્પર્ધી કંપની ખુલી જેનું નામ કોનફિનિટી હતું. જોકે માર્ચ ૨૦૦૦માં બંને કંપની મર્જ થઇ ગઇ જે આજે પે-પાલ નામે જાણીતી છે. ઓક્ટોબર ૨૦૦૨માં ઇબે નામની કંપનીએ દોઢ અબજ ડોલરના શેરના બદલે પે-પાલને ખરીદી લીધી. પે-પાલ છોડયા બાદ ઇલોન મસ્કે બીજી ઘણી કંપનીઓ ઊભી કરી. એમાંની બે સ્પેસએક્સ અને ટેસ્લા મોટર્સ પર તેમણે પોતાની તમામ પૂંજી લગાવી દીધી.
સ્પેસરેસમાં સૌથી આગળ છે મસ્ક
છેલ્લા થોડા વર્ષોથી ખાનગી કંપનીઓ પણ અવકાશયાત્રામાં ઘણો રસ લઇ રહી છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ આ રેસમાં સૌથી આગળ છે. ઇલોન મસ્કની દરેક કંપનીનો હેતુ એક જ છે અને એ છે માનવી પર તોળાઇ રહેલા ત્રણ જોખમોના તોડ શોધવા. આ ત્રણ જોખમ છે, ક્લાયમેટ ચેન્જ, માત્ર પૃથ્વી પર માનવીની નિર્ભરતા અને માનવ પ્રજાતિ સાવ નકામી બની જવાનો ખતરો.
જેમ જેમ મશીનો સક્ષમ બની રહ્યાં છે તેમ તેમ માણસો નકામા બની રહ્યાં છે. ટેસ્લા મોટર્સ, સોલર સિટી અને ધ બોરિંગ કંપની ઉર્જાના સ્વચ્છ વિકલ્પોનો ઉપયોગ કરીને ક્લાયમેટ ચેન્જ સામે લડવાની પ્રયાસ કરી રહી છે. ઇલોન મસ્કનું માનવું છે કે જો માણસો એક જ ગ્રહ પર વસવાટ કરવા સુધી સીમિત રહ્યાં તો તેઓ પોતાનું અસ્તિત્ત્વ બચાવી નહીં શકે. ક્યારેક ને ક્યારેક તો કોઇ માનવસર્જિત કે કુદરતી આફત આવશે જે માનવજાતના અસ્તિત્ત્વને જોખમમાં મૂકી દેશે. ગમે તે ઘડીએ કોઇ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે અથડાઇને વિનાશ નોતરી શકે છે કે પછી કોઇ વિશાળ જ્વાળામુખી ફાટવાથી કે પછી અણુયુદ્ધ ફાટી નીકળવાથી માનવજાતનું નામોનિશાન મટી જઇ શકે છે. આ માટે તેમણે પૃથ્વી સિવાયના રહેવાલાયક ગ્રહ શોધવા માટે સ્પેસએક્સની શરૂઆત કરી. તેઓ રોકેટ ડિઝાઇન કરતા શીખ્યાં અને આજે તેઓ સ્પેસએક્સના માત્ર સીઇઓ જ નહીં, ચીફ ટેકનોલોજી ઓફિસર પણ છે.