નવી દિલ્હીઃ કેનેડાની ટ્રુડો સરકારના ભારતવિરોધી વલણને કારણે બંને દેશ વચ્ચેના કથળેલા સંબંધો એકદમ નિમ્નસ્તરે પહોંચ્યા છે. આ રાજદ્વારીઓ કથિત રીતે ભારત સરકાર પ્રેરિત હિંસાનો ભાગ હોવાના પોલીસને પુરાવા મળ્યા છે એવું કહીને કેનેડાએ આ આદેશ કર્યો હતો.
જવાબમાં ભારતે પણ જેવા સાથે તેવાનો અભિગમ અપનાવતાં કેનેડાના છ ડિપ્લોમેટ્સને દેશ છોડવા આદેશ આપ્યા છે. ભારતે કેનેડાના કાર્યકારી હાઇ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલર, ડેપ્યુટી હાઇ કમિશનર પેટ્રિક હેબર્ટ, ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ફર્સ્ટ સેક્રેટરી લેન રોસ, એડમ જેમ્સ, પાઉલ ઓરજુએલાને 19 ઓક્ટોબરની મધરાત સુધીમાં ભારત છોડવા આદેશ આપ્યો છે.
નિઝ્ઝર હત્યાકેસમાં સંડોવણીનો પ્રયાસ
આ પહેલાં ભારતે કેનેડાસ્થિત ભારતીય હાઇ કમિશનર અને કેનેડાએ નિશાન પર લીધેલા કેટલાક અન્ય રાજદ્વારીને પરત બોલાવ્યા હતા. કેનેડાએ નિઝ્ઝર હત્યાકેસમાં ભારતીય રાજદ્વારીઓને સંડોવવાનો પ્રયાસ કરતાં જ ભારતે આ કાર્યવાહી કરી હતી. કેનેડાના ગંભીર આરોપો પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેનેડાના ઓટાવામાં નિઝ્ઝર હત્યાકેસની તપાસમાં ભારતીય રાજદૂત સંજયકુમાર વર્માને સંડોવવામાં આવતાં ભારતે કેનેડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ પછી વિદેશ મંત્રાલયે ભારત ખાતેના કેનેડિયન હાઇ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલરને રૂબરૂ બોલાવીને આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો.
ટ્રુડોની વોટબેન્ક રાજનીતિ
ભારત સરકાર દ્વારા કેનેડાના આ આરોપ પર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ કેસમાં કેનેડાનું વલણ તદ્દન વાંધાજનક અને ટીકાપાત્ર છે, જે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે યોગ્ય નથી. કેનેડાએ એક પત્રમાં રવિવારે એવું કહ્યું હતું કે, નિઝ્ઝર હત્યાકેસમાં ભારતના હાઇ કમિશનર તેમજ અન્ય કેટલાક રાજદ્વારીઓની સંડોવણીની તેમને શંકા છે અને તેઓ ‘પર્સન ઓફ ઇન્ટ્રેસ્ટ’ છે. ભારતે આ ચાલબાજીને ટ્રુડોની વોટબેન્કની રાજનીતિ ગણાવીને વખોડી કાઢી છે.
ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર એજન્ડાનો ભાગ
ભારતે વળતો જવાબ આપતાં કહ્યું છે કે, આ પ્રકારનો ભારતવિરોધી પ્રચાર ટ્રુડો સરકારના રાજકીય એજન્ડાનો એક ભાગ છે, જે ત્યાંની વોટબેન્કની રાજનીતિ પર આધારિત છે. ભારતે આક્ષેપ કર્યો હતો કે, ટ્રુડો સરકાર હિંસક કટ્ટરવાદીઓ અને આતંકીને એક મંચ પર ભેગા કરવા માગે છે. આવા કટ્ટરપંથીઓ ભારતના રાજકારણીઓ અને નેતાઓને પરેશાન કરે છે, ધમકાવે છે અને ડરાવે છે. તેમને મોતની ધમકી પણ અપાય છે. ભારતે કહ્યું હતું કે, કેનેડાના આક્ષેપોનો જવાબ આપવાનો ભારતનો અધિકાર તે સુરક્ષિત રાખે છે.