ટોક્યોઃ સ્વાસ્થ ટકોરાબંધ હોય અને હૈયે જો હામ હોય તો ગમેતેટલી મોટી વયે પણ દુનિયાની આંખો ચાર થઇ જાય તેવી સિદ્ધિ હાંસલ કરવાનું મુશ્કેલ નથી. આધુનિક ટેક્નોલોજીનો દેશ ગણાતા જાપાનના 95 વર્ષીય ઈચી મારુમો વિશ્વના સૌથી ઉમરલાયક સ્પીડસ્કેટર છે. અને વાત અહીં પૂરી થતી નથી. તેઓ આ રમતને 100 વર્ષની વય સુધી ચાલુ રાખવા માગે છે. મારુમોએ 88 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પીડસ્કેટિંગમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં ઘણીવાર ગોલ્ડ જીતી ચૂક્યા છે.
ચીનો શહેરના મારુમો બાળપણમાં શોખથી સ્કેટિંગ કરતા, પરંતુ સ્પર્ધાના ટ્રેક પર ઉતરવામાં તેમને દાયકાઓ લાગી ગયા. 2016માં પ્રથમવાર તેમણે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ભાગ લીધો. મારુમો સિનિયર વિન્ટર સ્પોર્ટ્સના પોસ્ટરબોય બનીને હવે વિશ્વના વૃદ્ધોને પ્રેરિત કરી રહ્યાં છે. તેઓ અત્યાર સુધી રશિયા, કેનેડા અને નેધરલેન્ડ્સમાં ગોલ્ડ જીતી ચૂક્યા છે. તેમની પાસે 20થી વધુ ગોલ્ડ મેડલ છે. અલબત્ત, ગતિ અગાઉ જેટલી નથી. તેઓ ધીમે-ધીમે સંતુલન જાળવી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની ઊર્જા અને જુસ્સો જોવાલાયક છે.
મારુમો કોઈ વધારાની ટ્રેનિંગ મેળવી રહ્યાં નથી. સ્કેટિંગને માત્ર કસરતનો ભાગ માને છે. મારુમોએ કહ્યું કે, મેં એકવાર નિવૃત્તિ લીધી હતી, પણ હવે આમ નહીં કરું. શક્ય હશે ત્યાંસુધી સ્કેટિંગ ચાલુ રાખીશ.’
મારુમોનું જીવન ઘણું પડકારજનક રહ્યું. તેઓ બીજા વિશ્વ યુદ્ધ સમયે જાપાની સેનામાં હતા અને આત્મઘાતી મિશનમાં સ્વેચ્છાએ જોડાયા હતા. તેમને રેડિયો ઓપરેટર તરીકે શત્રુઓના જહાજ સાથે ટકરાનાર વિમાનમાં બેસવાનું હતું, પરંતુ તેમનું મિશન શરૂ થાય તે થોડા સમય પૂર્વે જ યુદ્ધ સમાપ્ત થયું અને તેમનો જીવ બચી ગયો. યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ ગામડે પરત ફર્યા અને ખેતી કરવા લાગ્યા હતા.