એબીડોસ (ઈજિપ્ત)ઃ દેવતાઓને બલિ ચડાવવાની પ્રથા પુરાણકાળની છે. જોકે, પ્રાચીન ઈજિપ્તમાં રાજાઓને જ ભગવાન માનવામાં આવતા હતા અને તેમના મૃત્યુ પછી શબમાં મસાલા ભરીને સજાવટભર્યા મમી તૈયાર કરાતા હતા અને તેમને પ્રિય વસ્તુઓ તથા બલિને પણ કબર કે પિરામીડ્સમાં રાખવાની પ્રથા પણ ઈજિપ્તમાં હતી. ઈજિપ્તના અતિ પુરાણા શહેર એબીડોસ ખાતે પ્રાચીન રાજવી રામિસીસ દ્વિતીય (Ramesses II)ના ટેમ્પલ ખાતે બલિ ચડાવ્યાં પછી મમી કરાયેલાં 2000થી વધુ ઘેટાંના મસ્તક મળ્યાં છે.
રામિસીસ ધ ગ્રેટ તરીકે ઓળખાતા રાજવી પ્રાચીન ઈજિપ્તના 19મા વંશના શાસક હતા અને તેમનો સમય આશરે 1303 થી 1213 BCEનો મનાય છે. ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ યોર્કના સંશોધકોને 150થી વધુ વર્ષ પહેલા શોધાયેલા મંદિર-ટેમ્પલના ઉત્ખનનમાં મમીફાઈડ કૂતરાં, બકરીઓ, ગાય, હરણ અને નોળિયાં જેવા પ્રાણી પણ મળી આવ્યા હતા. ઈજિપ્શિયન મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એન્ડ એન્ટિક્વિટીઝે આ શોધને જાહેર કરી જણાવ્યું હતું કે ઘેટાંના મસ્તક સંભવતઃ માનતા તરીકે બલિ ચડાવેલા હતા અને ટોલેમિક કાલખંડ (332–30 BC)માં ઘેટાંની અભૂતપૂર્વ પૂજા કરાવા સાથે સંકળાયેલા ગણાય છે. મૃત્યુના 1000 વર્ષ પછી પણ કિંગ રામિસીસ ધ ગ્રેટના નામે માનતાઓ રખાતી અને પ્રાણીઓનાં બલિ ઓફર કરાતા હતા તે તેમના પ્રભાવ અને લોકપ્રિયતા સૂચવે છે.
ટેમ્પલની ઉત્તર દીવાલના ખોદકામમાં પુરાતત્વવિદોને પ્રાણીઓના અવશેષો ઉપરાંત, પ્રાચીન વસ્ત્રો, ચામડાંના પગરખાં, પેપિરસ પ્લાન્ટમાંથી બનાવાયેલી કાગળ જેવી સામગ્રી, પ્રતિમાઓના અવશેષો સહિત સંખ્યાબંધ પ્રાચીન ચીજવસ્તુઓ મળી આવી હતી.