કાહિરાઃ રાતા સમુદ્રના રિસોર્ટ શર્મ અલ શેખથી સેન્ટ પીટર્સબર્ગ માટે પહેલી નવેમ્બરે ૨૨૪ લોકો સાથે ઉડાન ભર્યાના થોડા સમયમાં રશિયન મુસાફર વિમાન એરબસનો એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને એરક્રાફ્ટને ઇજિપ્તમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ઇજિપ્તના સિનાઇ પ્રાંતમાં પર્વતીય વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું હતું. જેમાં તમામ ૨૧૭ મુસાફરો અને ક્રૂ ટીમના સાત સભ્યોના મોત થયાં હતાં.
દરમિયાન, ઈસ્લામિક સ્ટેટ ટેરર ગ્રુપે વિમાન તોડી પાડ્યું હોવાનું દાવો કર્યો છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે આ અંગે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં મળી આવેલા ૧૦૦ મૃતદેહો પૈકી તમામ દાઝી ગયા હતા. જોકે ઇજિપ્તના સુરક્ષા અધિકારીઓએ ઘટના વિશે કહ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો રશિયન હતા અને વિમાનમાં સવાર તમામ પૈકી કોઇ જીવિત બચ્યું નથી.