કેરોઃ જાણીતા ઈજીપ્તોલોજિસ્ટ ડો. ઝાહી હવાસના નેતૃત્વ હેઠળના ઈજીપ્શિયન મિશને ઈજીપ્તમાં ૩૦૦૦ વર્ષ સુધી રેતીના ઢગલા હેઠળ દટાયેલી સૌથી પ્રાચીન અને સૌથી મોટી ‘સુવર્ણ નગરી એટન’ શોધી કાઢી હતી. તૂતેનખામેનનો મકબરો શોધી કઢાયા પછી આ અતિ મહત્ત્વની શોધ છે. નિષ્ણાતોના મત મુજબ આ પ્રકારનું આ સૌથી મોટું શહેર શોધાયું છે. ડો.હવાસે કહ્યું હતું કે આ સ્થળ વેલી ઓફ ધ કિંગ્સના વતન લક્ઝર નજીકથી મળી આવ્યું હતું.
પુરાતત્વશાસ્ત્રીઓની ટીમે જણાવ્યું હતું કે ડો. ઝાહી હવાસના નેતૃત્વ હેઠળના ઈજીપ્શિયન મિશને રેતીના ઢગલા હેઠળ દટાઈ ગયેલું આ શહેર શોધી કાઢ્યું હતું. આ શહેર ૩,૦૦૦ વર્ષ જૂનું અને આમેન્હોટેપ ત્રીજાના શાસનના સમયનું છે અને તૂતેનખામેન અને Ay તેનો ઉપયોગ કરતા હતા.
જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ ઈજીપ્શિયન આર્ટ એન્ડ આર્કિયોલોજીના પ્રોફેસર બેટ્સી બ્રાયને જણાવ્યું કે તૂતેનખામેનનો મકબરા પછીની આ બીજી સૌથી મહત્ત્વની પુરાતત્વીય શોધ છે. માટીના રંગેલા વાસણો, તાવીજો અને આમેન્હોટેપ ત્રીજાના સીલવાળી માટીની ઈંટો સાથે રિંગ્સ જેવી જ્વેલરીની ચીજવસ્તુઓ પણ મળી આવી હતી.
બૂતપૂર્વ એન્ટિક્વિટિસ મિનિસ્ટર હવાસે જણાવ્યું હતું કે ઘણાં વિદેશી મિશનોએ આ શહેરની શોધ આદરી હતી પણ તેઓ ક્યારેય તે શોધી શક્યા ન હતા. ટીમે પાટનગર કૈરોની દક્ષિણે ૫૦૦ કિ.મી.દૂર લક્ઝર નજીક રામસેસ ત્રીજા અને આમેન્હોટેપ ત્રીજાના મંદિરો વચ્ચેની જગ્યાએ ખોદકામ શરૂ કર્યું હતું. થોડાં અઠવાડિયા પછી ટીમના આશ્ચર્ય વચ્ચે બધી દિશાએથી માટીની ઈંટોનું બાંધકામ મળવા લાગ્યું. તેમને જે મળ્યું તે સારી સ્થિતિમાં જળવાઈ રહેલું એક સૌથી મોટું શહેર હતું. તેમાં દીવાલો અકબંધ હતી અને રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓથી રૂમો ભરેલી હતી.
ખોદકામના સાત મહિના પછી ઓવન અને સ્ટોરેજ પોટરી સાથેની બેકરી સહિત તેની આસપાસના બાંધકામો તેમજ વહીવટી અને રહેણાંક આવાસો મળી આવ્યા હતા. આમેન્હોટેપ ત્રીજા યુફ્રેટીસથી સુદાન સુધી વિસ્તરેલું સામ્રાજ્ય વિરાસતમાં મૂકી ગયા હતા.૧૩૫૪ બીસીની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. તેમણે લગભગ ચાર દાયકા સુધી શાસન કર્યું હતું, જે તેની સમૃદ્ધિ અને - લક્ઝર નજીક તેમના અને તેમની પત્નીની બે વિશાળ પથ્થરની પ્રતિમા - કોલોસી ઓફ મેનમ્નન સહિતના સ્મારકો માટે જાણીતું હતું.
ટીમને સમૂહમાં કબરો મળી હતી અને ત્યાં ખડકમાં કંડારાયેલી સીડી મારફતે જઈ શકાય છે. ટીમને ખજાનાથી ભરેલી કબરો મળશે તેવી આશા હોવાનું જણાવાયું હતું. તાજેતરમાં ઈજીપ્તે ફારાઓહસ ગોલ્ડન પરેડ યોજીને ૧૮ પ્રાચીન રાજા અને ચાર રાણીઓના અવશેષો નવા નેશનલ મ્યૂઝિયમ ઓફ ઈજીપ્શિયન સિવિલાઈઝેશનમાં ખસેડ્યા હતા. તેમાં ૨૨ અવશેષો તો આમેન્હોટેપ ત્રીજા અને તેની પત્ની ક્વીન ટીયેના હતા.