ઈઝરાયલ સાથેની મિત્રતા ઇંડિયન આર્મીને ફળશે

Thursday 06th July 2017 06:56 EDT
 
 

નવી દિલ્હીઃ હાલ ચીન સરહદે ભારે તંગદિલીનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ઇઝરાયલની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડા પ્રધાન પણ બન્યા છે. ઇઝરાયલ ભારત માટે એક મિત્ર દેશ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે સંરક્ષણમાં પણ મદદ કરી રહ્યો છે.
દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ ઇઝરાયલ સાથે ભારતની વધી રહેલી મિત્રતા મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. ૯૦ના દસકાથી જ ઇઝરાયલ અને ભારત વચ્ચે સૈન્ય સંબંધો મજબૂત થતા ગયા. ઇઝરાયલ વસ્તીમાં બહુ નાનો દેશ છે પણ સંરક્ષણમાં તે અમેરિકા અને બ્રિટન જેવા દેશો કરતા પણ આગળ છે કેમ કે આ દેશ ચારેય તરફથી સેલ્ફ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમથી સુરક્ષિત છે.
૧૯૯૨માં સૌપ્રથમ ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં વધુ મિત્રતા જોવા મળી હતી. ભારતે ઇઝરાયલ પાસેથી આશરે ૬૭ બિલિયનથી ૧૦૦ બિલિયન રૂપિયાનાં સૈન્ય ઓજારો અને અન્ય હથિયારો ખરીદ્યા હતા. ભારતની હાલની મુલાકાતનું એક મહત્ત્વનું કારણ ચીન પણ છે. ચીન દ્વારા સરહદે ઘુસણખોરી વધી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતા ભારતને મદદરૂપ સાબિત થઇ શકે છે. જોકે અન્ય દેશોને તે ખટકી રહી છે. ખાસ કરીને ચીન આ મામલે ભારત સાથે અવળચંડાઇ વધારી શકે છે.
હાલ ભારત ઇઝરાયલ પાસેથી સૌથી વધુ હથિયારો ખરીદે છે. જેમાં મિસાઇલ, એન્ટિ-મિસાઇલ સિસ્ટમ, યૂએવી, ઇલેક્ટ્રોનિક વોરફેયર સિસ્ટમનો સમાવેશ થાય છે. ઇઝરાયલની વર્તમાન નીતિ ભારતતરફી વધુ જ્યારે ચીનવિરોધી રહી છે. એક તરફ તે ભારતને હથિયારો આપવા માટે તૈયાર છે પણ બીજી તરફ ઇઝરાયલે ચીનને એવાક્સ સિસ્ટમ વેચવાની ના પાડી દીધી છે. ઇઝરાયેલ ખેતી ક્ષેત્રે પણ ભારતને મદદ કરતો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter