ઈઝરાયલી ભારતીયોને પણ ઓસીઆઈ-પીઆઈઓ કાર્ડ મળશેઃ મોદી

Thursday 06th July 2017 03:28 EDT
 
 

જેરુસલેમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની જેમ ઇઝરાયલમાં વસતાં ભારતીયોને પણ ઓસીઆઇ-પીઆઇઓ કાર્ડ અપાશે. સાથોસાથ તેમણે અહીં વસતાં ભારતીયોનો ભારતીય સંસ્કૃતિ સાથેનો નાતો જળવાય રહે તે માટે ઇંડિયન કલ્ચરલ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી અને મુંબઇથી તેલ અવીવને જોડતી હવાઇ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ઇઝરાયલમાં સ્થાયી થયેલો ભારતીય સમુદાય લાંબા સમયથી ઓસીઆઇ-પીઆઇઓ કાર્ડ તેમજ દિલ્હી-મુંબઇથી વિમાની સેવાની માગણી કરી રહ્યો હતો.
મોદીએ કહ્યું હતું કે ૭૦ વર્ષ પછી ભારતના વડા પ્રધાન અહીં આવ્યા તે એક આનંદનો અવસર પણ છે અને કેટલાક સવાલો પણ કરે છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જે પ્રકારે મારું સ્વાગત કર્યું છે તે હું ક્યારેય નહીં ભૂલી શકું. આ સવાસો કરોડ ભારતીયોનું સ્વાગત છે. મોદીએ કહ્યું હતું કે ઈઝરાયલમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને ઓસીઆઈ અને પીઆઈઓ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભારત સરકારે તેમને આ કાર્ડ ઇસ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સમુદાયના જે લોકોએ કમ્પલસરી આર્મી સર્વીસ કરી છે તેઓ પણ ઓસીઆઈ કાર્ડ મેળવી શકશે. ભારત સરકાર ટૂંક સમયમાં ઈઝરાયેલમાં ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર પણ શરૂ કરશે. દિલ્હી, મુંબઈ, તેલ અવીવ વિમાન સેવા શરૂ કરી દેવાશે તેમ પણ તેમણે કહ્યું હતું. મોદીએ જીએસટીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે હવે સમગ્ર ભારતમાં એક જ ટેક્સ લાગુ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter